પોલીસની ઢીલી નીતી ! ચોરી થઇ 13.62 લાખની, રિકવર કર્યા માત્ર 78 હજાર, વેપારીઓ ગૃહમંત્રીના શરણે
ગત તા.9 માર્ચે દિવાનપરા મેઈન રોડ પર મનાલી ટેક્ષટાઈલ નામની સાડીની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ 13.62 લાખની રોકડ ચોરી કરી હતી. આ ચોરીની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે તસ્કરો પૈકી એક તસ્કરને પકડી 78700 જેવી રકમ કબજે કરી હતી. જો કે બાકીની રકમ લઈ ફરાર થઈ ગયેલો તસ્કર હજુ સુધી હાથમાં આવ્યો ન હોય આ અંગે પોલીસ કમિશનર,
ડીસીપી, એ-ડિવિઝન પોલીસ મથકને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતાં આખરે ધર્મેન્દ્ર રોડ પરના વેપારીઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના દ્વાર ખટખટાવ્યા હતા. આ અંગે ધ રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાને સાથે રાખી ગૃહમંત્રીને રજૂઆત કરતાં જણાવ્યું કે 9-3-2025ના ચોરી થયા બાદ એ જ દિવસે ફરિયાદ નોંધાવાઈ હતી
આ પછી વારંવાર એ-ડિવિઝન પોલીસ મથકમાં પૂછતાં ચોર પકડાયો નથી’ તેવા જવાબ જ મળતાં હોય આખરે ૨૦ માર્ચે પોલીસ કમિશનર તેમજ ડીસીપી જગદીશ બાંગરવાને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ એ જ દિવસે એક તસ્કરને 78700ની રકમ સાથે પકડી લેવાયો હતો. ત્યારબાદ 24 માર્ચે ફરી ડીસીપી અને 25 માર્ચે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી 13 લાખ જેવી માતબર રકમ લઈને ભાગી ગયેલા તસ્કર સુધી પોલીસ પહોંચી શકી નથી. આ રજૂઆત બાદ ગૃહમંત્રીના સચિવ વાળાએ પોલીસ કમિશનર તેમજ ડીસીપીને ટેલિફોનિક આદેશ આપી તસ્કરોને તાત્કાલિક પકડવા આદેશ આપ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.