ગાઝિયાબાદની જિલ્લા અદાલતમાં વકીલો તોફાને ચડતાં લાઠીચાર્જ
ગાઝિયાબાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બાર એસોસિએશનના એક સભ્ય સાથે સંકળાયેલા કેસની સુનાવણી દરમિયાન વકીલ અને ન્યાયાધીશ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ વકીલો તોફાને ચડ્યા હતા. પરિસ્થિતિ એ હદે વણસી હતી કે વકીલોને બહાર કાઢવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ વકીલ અને ન્યાયાધીશ વચ્ચે ઊંચા આવાજે બોલાચાલી થયા બાદ મોટી સંખ્યામાં વકીલોએ કોર્ટને ઘેરી લીધી હતી. ચેતી ગયેલા ન્યાયાધીશે તરત જ પોલીસને બોલાવી લેતા પોલીસે મામલો કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન કોર્ટમાં ખુરશીઓ પણ ઉછળી હતી. વકીલોએ ન્યાયાધીશને ઘેરી લેતા ભારે તંગદિલી ફેલાઈ હતી અને અંતે પોલીસે લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો હતો. પોલીસના બળ પ્રયોગમાં અનેક વકીલોને ઈજા પહોંચી હતી. વકીલોએ અદાલત પરિસરની પોલીસ ચોકીને પણ નુકસાન કર્યું હતું અને ન્યાયાધીશ સામે સૂત્રોચાર કર્યા હતા.આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા જેમાં અદાલતની અંદર જ થયેલી આ ધમાલના દ્રશ્યો નજરે પડતા હતા. બનાવ બાદ અદાલતના ન્યાયાધીશોએ કામગીરી બંધ કરી દીધી હતી. બીજી તરફ બાર એસોસિએશન દ્વારા પણ ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.