પારકી મિલ્કત પચાવી પાડવાના બનાવો રોકવા રાજ્ય સરકારે લેન્ડગ્રેબિંગ કાયદો અમલી બનાવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આવા 126 કિસ્સામાં ફોજદારી ફરિયાદો નોંધાઈ છે જેમાં બુધવારે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં 90 કેસ મુકવામાં આવ્યા હતા જેમાંથી 55 કેસ પડતા મુકવાની સાથે 30 કેસમાં સમાધાન થયું હતું અને એક કેસમાં એફઆઈઆર નોંધવા હુકમ કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બુધવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં કુલ 90 કેસ રજૂ જેમાંથી 55 કેસ પડતા મુકવામાં આવ્યા હતા તેમજ 30 કિસ્સામાં બન્ને પક્ષ વચ્ચે સમાધાન થયા હતા. સાથે જ લેન્ડગ્રેબિંગ કમિટી દ્વારા 4 કેસ પેન્ડિંગ રાખવા નક્કી કરી રાજકોટ ગ્રામ્યના એક કિસ્સામાં ફોજદારી ફરિયાદ નોંધાવવા હુકમ કરાવમાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લેન્ડ ગ્રેબિંગ કાયદાના અમલમાં આવ્યા બાદ માર્ચ માસ સુધીમાં કુલ 127 કેસમાં ફોજદારી ફરિયાદ નોંધવા આદેશ કરાયો હતો જેમાં એકનો વધારો થતા એફઆઈઆરનો આંકડો 128 થયો છે. ઉલ્લેખનીય છે કે, લેન્ડગ્રેબિંગ અંગે અરજી થયા બાદ મોટાભાગના કિસ્સામાં સમાધાન થતા હોવાના આંકડા સામે આવી રહ્યા હોવાથી લેન્ડગ્રેબિંગ કાયદો સમાધાન ગ્રેબિંગ બની રહ્યો હોવાનું પણ ફલિત થઇ રહ્યું છે.
