Land for Job Case : લાલુ યાદવની EDએ 4 કલાક કરી પૂછપરછ, વાંચો કેવા-કેવા પ્રશ્નોના લાલુએ આપ્યા જવાબ
લેન્ડ ફોર જોબ કેસમાં રાજદના વડા લાલુ યાદવની ઇડી દ્વારા બુધવારે પૂછપરછ કરવામાં આવી હતી. લાલુ યાદવ સવારે લગભગ ૧૧ વાગ્યે પટના સ્થિત ઇડી ઓફિસ પહોંચ્યા, જ્યાં પહેલા અધિકારીઓએ લાલુ યાદવની તબિયત વિશે પૂછ્યું અને તેમને ચા, પાણી અને કોફી આપી હતી.
આ પછી, ઇડી અધિકારીઓએ લાલુ યાદવ સામે પ્રશ્નોની લાંબી યાદી મૂકી હતી અને એમને મહત્વના ૧૦ સવાલ કર્યા હતા. ટીમે લાલુ યાદવને નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત અનેક પ્રશ્નો એક પછી એક પૂછ્યા હતા. આ દરમિયાન લાલુ યાદવે પણ પોતાની શૈલીમાં પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ કૌભાંડમાં એમની બીજીવાર પૂછતાછ થઈ છે.
લાલુની પૂછતાછ ૪ કલાક સુધી ચાલી હતી. જરૂર પડ્યે એમને ફરીવાર પણ બોલાવી શકાય છે . લાલુને સવાલો કરાયા પહેલા મંગળવારે એમના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને રાબડી દેવીની પણ પૂછતાછ કરાઇ હતી.
લાલુના સુપુત્રી મિસા યાદવે આ અંગે એમ કહ્યું હતું કે બિહારમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે સરકાર ચુંટણી સ્ટંટ કરી રહી છે બાકી વાતમાં કાઇ દમ નથી.
લાલુને કરાયા આવા સવાલ
તમને મળ્યા બાદ અને જમીન રાબડી દેવીને મળ્યા બાદ જ નોકરી અપાઈ હતી તેવું શા માટે થયું ? કિરણ દેવી નામની મહિલાએ ૮૦ હજાર વર્ગફિટ જમીન તમારી પુત્રી મિસાને જ શા માટે વેચી ? રાબડી દેવીના નામે જમીન રજીસ્ટર થયા બાદ કેટલાકને નોકરી મળી તેવું કેવી રીતે થયું ? કેટલાકને સેન્ટ્રલ રેલવે મુંબઈ અને કેટલાકને નોર્થ વેસ્ટર્ન રેલવેમાં નોકરી મળતા પહેલા શા માટે જમીનો લખાવી લેવાઈ ? આ બધા સવાલોના જવાબ લાલુએ આપ્યા હતા .