લાલન સિંહનું રાજીનામું, જેડીયુના પ્રમુખપદે કોની નિયુક્તિ થઈ જુઓ
પક્ષમાં આંતરિક વિખવાદના વાવડ વચ્ચે ઉથલપાથલ
બિહારમાં સતાધારી ગઠબંધનના સાથી પક્ષ આરજેડી સાથેના જેડીયુના કથિત મતભેદ અને પક્ષમાં આંતરિક અસંતોષની ચર્ચાઓ વચ્ચે શુક્રવારે જનતા દળ યુનાઇટેડના પ્રમુખ પદેથી લાલન સિંહે રાજીનામું આપ્યા બાદ નીતીશકુમારની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.લાલન સિંહ 2021 થી પક્ષ પ્રમુખનો કાર્યભાર સંભાળતા હતા.નીતીશ કુમાર બીજી વખત પ્રમુખ બન્યા છે.
લાલન સિંહે તેઓ પોતાના મતવિસ્તારમાં વધારે ધ્યાન આપવા માંગતા હોવાથી પ્રમુખપદે થી રાજીનામું આપ્યું હોવાનો અને પક્ષમાં કોઈ પણ જાતનો મતભેદ ન હોવાનો ખુલાસો કર્યો હતો.પક્ષની નવી દિલ્હી ખાતે મળેલી કાર્યકારીણીની બેઠકમાં તેમનું રાજીનામું સ્વીકારાયા બાદ તેમણે જ પ્રમુખપદે નીતીશકુમારના નામની દરખાસ્ત કરી હતી.
જો કે આરજેડીના નેતા,બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે તેમની નજદીકીને કારણે નીતિશકુમાર તેમનાથી નારાજ હોવાનું માનવામાં આવે છે.લાલન સિંહને સાધીને તેજસ્વી મુખ્યમંત્રી બનવાની પેરવી કરી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. આવી અનેક પ્રકારની રાજકીય અફવાઓ વચ્ચે, લાલુ પ્રસાદે જેડીયુ નો આરજેડીમાં વિલય થવાનો હોવાનું પોતાને જણાવ્યું હોવાનો ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંઘે દાવો કર્યા બાદ બિહારનું રાજકારણ ગરમાયું હતું.
રાજીનામું આપ્યું કે માંગી લેવાયું?
બિહારના રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો અનુસાર નીતીશ કુમાર ઈન્ડીયા ગઠબંધનના વડાપ્રધાનપદ ના ઉમેદવાર બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા હતા.તેમનું નામ આગળ કરવાની જવાબદારી લાલન સિંહને સોંપવામાં આવી હતી પણ તેમાં તેઓ ઉણા સાબિત થયા અને મમતા અને કેજરીવાલે મલ્લિકાર્જુન ખડગેનું નામ સૂચવી દેતા નીતીશ ની મનની મનમાં રહી ગઈ હતી.એ ઘટના બાદ લાલન સિંહનું રાજીનામું માંગી લેવાયું હોવાનું માનવામાં આવે છે