PM મોદી સાથે ‘લેડી SPG કમાન્ડો’ !! સ્ત્રી સુરક્ષાકર્મીને જોઇને આશ્ચર્ય થવું જોઈએ ??
સંસદની બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ ઉભેલી મહિલા અધિકારીની તસવીર કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં મૂકી તેના પછી તે વાઈરલ થઇ. ગુરુવારે પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં વડાપ્રધાન મોદી ઔપચારિક ડાર્ક સૂટ પહેરેલી મહિલાની આગળ ચાલતા જોવા મળે છે. કંગના રનૌતે તેનું શીર્ષક “લેડી એસપીજી” રાખ્યું હતું, જેના કારણે ઘણા લોકો એવું માની લે છે કે તે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)નો ભાગ છે, જે વડાપ્રધાનનું રક્ષણ કરે છે. પોસ્ટમાં મહિલા સશક્તિકરણ અને મહત્વપૂર્ણ સુરક્ષા ભૂમિકાઓમાં તેમની વધતી હાજરી વિશે પણ વાતચીત કરવામાં આવી હતી.
જ્યારે ઘણા માને છે કે મહિલા એસપીજી કમાન્ડો છે, પરંતુ તેની વાસ્તવિક ઓળખ અલગ છે. NDTV અનુસાર, તે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં સહાયક કમાન્ડન્ટ છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અંગત સુરક્ષા અધિકારી (PSO) તરીકે સેવા આપે છે.
જો કે મહિલા કમાન્ડો લાંબા સમયથી SPGના સુરક્ષા માળખાનો ભાગ છે, પરંતુ આ અધિકારી SPG નો હિસ્સો નથી. એસપીજી પાસે લગભગ 100 મહિલા કમાન્ડો છે જે ‘ક્લોઝ પ્રોટેક્શન ટીમ’માં ટ્રેઈન થયેલી છે અને સેવા આપે છે.
SPG શું છે?
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1985માં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ની રચના કરવામાં આવી હતી. તેની પ્રાથમિક ભૂમિકા વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાનો અને તેમના પરિવારોને કડક સુરક્ષા પૂરી પાડવાની છે. એસપીજી અધિકારીઓ નેતૃત્વ, ક્લોઝ પ્રોટેક્શન અને અદ્યતન સુરક્ષા તકનીકોમાં સખત તાલીમ લે છે. આ જૂથ વ્યાપકપણે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈન્ટેલિજન્સ બ્યુરો અને સ્થાનિક પોલીસ દળોને સહકાર આપે છે.
વર્ષોથી, વધતી જતી સુરક્ષાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે SPG એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. 1991 માં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી, ધમકીના મૂલ્યાંકનના આધારે, ભૂતપૂર્વ વડા પ્રધાનો અને તેમના પરિવારોને ઓછામાં ઓછા 10 વર્ષ માટે સુરક્ષા વધારવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. ભારતના સશસ્ત્ર દળો વધુને વધુ મહિલાઓને આવકારે છે. તેઓ હવે એર ડિફેન્સ, ઇન્ટેલિજન્સ, એન્જિનિયરિંગ અને કોમ્બેટ રોલ જેવા ક્ષેત્રોમાં કમાન્ડ પોઝિશન ધરાવે છે. અગ્નિવીર જેવી પહેલ અને મહિલા ફાઇટર પાઇલોટ્સનો સમાવેશ આ પરિવર્તનને હાઇલાઇટ કરે છે.
વાયરલ ફોટોમાંની મહિલા ભલે SPG નો ભાગ ન હોય, પરંતુ આવી હાઈ પ્રોફાઇલ પ્રોટેક્શનની ભૂમિકામાં તેની હાજરી ભારતના સંરક્ષણ અને કાયદા અમલીકરણ ક્ષેત્રોમાં મહિલાઓ માટે વધતી તકોને રેખાંકિત કરે છે. આ ફોટો પરંપરાગત રીતે પુરૂષ પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રોમાં જેન્ડર ઇક્વાલીટી અને સ્ત્રી સશક્તિકરણ તરફ થઈ રહેલી પ્રગતિ દર્શાવે છે.