કુણાલ કામરા દ્વારા એકનાથ શિંદેને લઈને કોમેડી શોમાં વિવાદિત ટીપ્પણી કરાતા સર્જાયો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો
હજુ થોડા દિવસ પહેલા જ કોમેડી શો India’s Got Talentને લઈને સમગ્ર દેશમાં વિવાદનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. રણવીર અલ્લાહબાદિયા, સમય રૈના સહિત ત્રણ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સખ્ત શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી ત્યારે આજે ફરી એકવાર કોમેડિયનની કમેન્ટથી વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રના રાજકારણ પર હાસ્ય કલાકાર કુણાલ કામરાની મજાક અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ લીધા વિનાની તેમની ટિપ્પણીથી હોબાળો મચી ગયો છે. મુંબઈના MIDC પોલીસ સ્ટેશનમાં કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, BNS ની કલમ 353(1)(b), 353(2) અને 356(2) હેઠળ MIDC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
એકનાથ શિંદે પર કુણાલ કામરાએ શું કહ્યું?
કુણાલ કામરાએ પોતાના શોમાં એક બોલિવૂડ ગીતની પેરોડી ગાયું હતું. આ દરમિયાન તેમણે કરેલી ટિપ્પણીથી શિવસેનાના નેતાઓ નારાજ થયા હતા. થોડા દિવસો પહેલા કામરાએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી મહારાષ્ટ્ર પોલિટિક્સ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આમાં કુણાલ કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના હિન્દી ગીત ‘ભોલી સી સુરત…’ની તર્જ પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો અને તેમને ગદ્દાર કહ્યા હતા.
MIDC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો
શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે MIDC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. અગાઉ, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના નેતા રાહુલ કનાલ વિરુદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. મુંબઈના ખાર સ્થિત ધ યુનિકોન્ટિનેન્ટલ ઓફિસ ખાતે શિવસૈનિકો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તોડફોડ પણ થઈ હતી, ત્યારબાદ ખાર પોલીસે 20 થી વધુ લોકો સામે કેસ નોંધ્યો હતો.
ફરિયાદ મુજબ, કામરાએ કાર્યક્રમ દરમિયાન એકનાથ શિંદેને નિશાન બનાવતું એક ગીત ગાયું હતું, જેને શિંદે સેનાએ વાંધાજનક ગણાવ્યું હતું. શિવસેનાના કાર્યકરોનો દાવો છે કે આ વીડિયો આ જગ્યાએ શૂટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેઓએ ત્યાં હોબાળો મચાવ્યો અને વસ્તુઓ તોડી નાખી. પોલીસે જણાવ્યું હતું કે શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં ક્લબમાં તોડફોડ કરી હતી જ્યાં કામરાના વિવાદાસ્પદ શોનું શૂટિંગ થઈ રહ્યું હતું.
કુણાલ કામરાએ ‘દિલ તો પાગલ હૈ’ નામના હિન્દી ગીતની જેમ ભૂતપૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મજાક ઉડાવી હતી. કોમેડિયનએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર આ વીડિયો ક્લિપ શેર કરી છે. કુણાલ કામરાએ એકનાથ શિંદેના 2022ના બળવાનો ઉલ્લેખ કર્યો, જેના કારણે શિવસેના શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથમાં વિભાજિત થઈ ગઈ.
BMC એ સ્ટુડિયોનો ફ્લોર સીલ કર્યો
કોમેડિયન કુણાલ કામરા વિવાદ અંગે, BMC એ પોતાની કાર્યવાહી વિશે કહ્યું કે સ્ટુડિયોની છત અંગે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. ખાર પોલીસે સ્ટુડિયોના ફ્લોરને સીલ કરી દીધો છે તેથી ત્યાં કોઈ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી નથી.
કુણાલ કામરાએ માફી માંગવી જોઈએ – દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે પર હાસ્ય કલાકાર કુણાલ કામરાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે કુણાલ કામરાએ માફી માંગવી જોઈએ.
એફઆઈઆર અને ધરપકડ
એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મુંબઈ પોલીસે કામરા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધ્યો છે. ઉપરાંત, ખાર વિસ્તારમાં સ્થિત હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરનારા 40 શિવસેના કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રવિવારે રાત્રે મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરોએ હોટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને તોડફોડ કરી. આ પછી, ૧૨ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમને ૧૫,૦૦૦ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મળ્યા હતા. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે કામરાના બેંક ખાતા અને કોલ ડિટેલ્સની તપાસ કરવામાં આવશે.