કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ : આરોપી સંજય રોય માણસ નહી પણ જાનવર છે: લગીરેક પસ્તાવો નથી
કોલકતાની હોસ્પિટલમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાનો આરોપી સંજય રોય પ્રાણીઓ જેવી એટલે કે પાશવી મનોવૃત્તિ ધરાવતો હોવાનું તેના પર કરાયેલા સાઈકોએનાલિટિક ટેસ્ટમાં ખુલ્યું છે. આ તારણો દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા મનોવિશ્લેષણ પર આધારિત છે. વિશ્લેષણમાં એ પણ જાણવા મળ્યું છે કે આરોપીએ તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળ્યો તે પહેલાની રાતની ઘટનાઓને ફરીથી કહેવા માટે કોઈ પસ્તાવો દર્શાવ્યો ન હતો.
સીબીઆઈએ 18 ઓગસ્ટના રોજ સીએફએસએલના નિષ્ણાતોને રોયની મનોવિશ્લેષણાત્મક પ્રોફાઇલ હાથ ધરવા આદેશ આપ્યો હતો.બાદમાં તેની મનોવિશ્લેષણાત્મક પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી હતી. તેના તારણો સીબીઆઇ અધિકારીએ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે સંજય રોય પ્રાણીઓ જેવી મનોવૃત્તિ ધરાવે છે. આ અધમ કક્ષાનો ગુનો કર્યાનો તેને કોઈ પસ્તાવો નથી. આખા ઘટનાક્રમ અંગે તેણે કોઈપણ જાતના હિચકીચાટ વગર એક એક મિનિટની માહિતી આપી હતી.
નોંધનીય છે કે કોલકતા પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેના મોબાઈલ ફોનમાંથી ઢગલાબંધ પોર્નોગ્રાફિક વિડિયો મળી આવ્યા હતા.બનાવની રાત્રે તે બેફામ શરાબ પી ને હવસ સંતોષવા કોલકતાના રેડ લાઈટ વિસ્તારમાં ગયો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.સીબીઆઇ ના જણાવ્યા અનુસાર બનાવની રાત્રે તે ઇમરજન્સી રૂમમાં પ્રવેશતો અને પછી બહાર નીકળતો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો.આ શખ્સ જ મુખ્ય ગુનેગાર હોવાના સબળ પુરાવા હોવાનું સીબીઆઇ એ જણાવ્યું હતું.જો કે સીબીઆઇએ ડીએનએ ટેસ્ટ ના પરિણામો કે ગેંગ રેપની અફવા અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.સીબીઆઇ ની ટીમે આરોપીના ઘરની મુલાકાત લઈ તેના પરિવારજનો તથા આસપાસના લોકોની પણ પૂછપરછ કરી હતી.