મારે જાપાન જાવું છે…પ્લેનમાં બેસી જાપાન જવું છે…
અમદાવાદથી બસમાં બેસી રાજકોટ પહોંચ્યો, સવારે ટર્મિનલ પાસે જાપાન જવાનાં રટણ સાથે આંટા મારતાં એરપોર્ટ પોલીસને જાણ કરી:ટીમે બાળકનું જતન તેને પરિવાર સુધી પહોંચાડ્યો:અમદાવાદમાં બાળકના અપહરણનો ગુનો નોંધાયો હતો
“મારે જાપાન જવું છે…પ્લેનમાં બેસી જાપાન જવું છે….”આ વાતના રટણ સાથે અમદાવાદનો એક માનસિક અસ્વસ્થ બાળક એરપોર્ટ સુધી આવી જતાં એરપોર્ટનો સ્ટાફ અને પોલીસ બંને ધંધે લાગ્યા હતા.જ્યારે ગઈકાલે સવારે 7 વાગ્યે ૧૪ વર્ષનો મનોદિવ્યાંગ તરુણ એરપોર્ટ પર ટર્મિનલ નજીક આંટા ફેરા કરી રહ્યો હતો આ સમયે સી.આઈ.એસ.એફ.ને શંકાસ્પદ લાગતાં તેની પૂછપરછ કરી હતી પરંતુ તે માનસિક અસ્થિર લાગતા એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા માટે વિગત મુજબ, હીરાસર એરપોર્ટ પર સવારે આ બાળક આવ્યો હતો અને મારે ફ્લાઈટમાં બેસીને જાપાને જવું છે..તેવું બોલતો હતો અને ટર્મિનલ પાસે ચક્કર મારી રહયો હતો.આ જાણ પોલીસને થતાં ટીમે આ બાળક પાસેથી વિગતો જાણવાની કોશિશ કરી હતી પરંતુ તે ગભરાઈ ગયો હતો અને કશું બોલતો ન હતો. તેના હાવભાવ અને વર્તન પરથી તે માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન ટર્મિનલ વિભાગની ટીમે બાળકને નાસ્તો કરાવી તેની જાણકારી મેળવાની કોશિશ કરી હતી.
પી.આઈ.સાવલિયા,યોગીભાઈ,તેજન ચાવડા સહિતની ટીમે આ બાળક સાથે વાત કરી વિગતો જાણવાની કોશિશ કરી હતી.કલાકો સુધી વાત કર્યા બાદ તરુણ અમદાવાદથી બસમાં બેસી રાજકોટ આવ્યો અને ત્યાંથી તે એરપોર્ટ પહોંચ્યો હતો.બાળક પાસેથી મળેલી વિગતો ને આધારે તે અમદાવાદના ગીતાનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસએ જાણકારી મેળવતાં આ બાળકનું અપહરણ થયા હોવાની ફરિયાદ તેના માતા પિતાએ કાગડાપીઠ પોલીસમાં નોંધાવી હતી,જ્યાં બાળકના અપહરણનો ગુન્હો દાખલ થયો હતો.
રાજકોટ પોલીસે આ સગીર રાજકોટ પહોંચ્યો હોય તેવી જાણ કરતા તેના માતા પિતા અને ત્યાંથી પોલીસની એક ટીમ તેને લેવાં આવવા રવાના થઈ હતી.
એરપોર્ટ પોલીસએ માનવતા દાખવી આ અસ્થિર બાળકને આખો દિવસ સાચવ્યો હતો અને તેનું પ્રેમપૂર્વક જતન કરીને તેના પરિવાર સુધી પહોંચાડવામાં એરપોર્ટ પોલીસની ટીમ નિમિત બની હતી.
