કેજરીવાલના પત્નીએ સંભાળી પ્રચારની કમાન, જાણો ગુજરાતમાં ક્યારે કરશે પ્રચાર ??
ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. રાજ્યમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવીને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાથી તેમની હવે પત્નીએ પ્રચારની કમાન સંભાળી છે.
આવતીકાલે એટલે કે 2 મેના રોજ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવશે અને તેઓ ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના સમર્થનમાં પ્રચાર કરશે. ભાવનગર અને ભરૂચ બેઠક પર સુનિતા કેજરીવાલ પ્રચાર કરશે.
ગુજરાતમાં I.N.D.I.A ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. જેમાં ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસ અને બે બેઠકો ભરૂચ અને ભાવનગર પર AAP લડશે. જેમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા અને ભવાનગર બેઠક પરથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડશે.
ભરુચ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા
ભરુચ લોકસભા બેઠક પાર ઇન્ડિયા ગંઠબંધને બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આપી છે. અહેમદ પટેલના પરિવારની સંવેદના જોડાયેલી હોવાથી EVM માં લોકસભા ચૂંટણી 2024 માં ભરૂચ બેઠક માટે પંજાનું નિશાન ભૂંસાઈ જવાનો વિરોધ ઉઠ્યો છે. આમ આદમી પાર્ટીએ દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી છે ત્યારે ગઠબંધનનો તેમને કેટલો લાભ મળે છે તે પ્રશ્ન ઉભો થયો છે.
ભાવનગરલોકસભા બેઠક પર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા
ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે . ઉમેશ નારણ મકવાણા આમ આદમી પાર્ટીના રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ 8 ડિસેમ્બર 2022 થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાજપના નિમુબેન બાંભણિયા સામે મેદાનમાં ઉતાર્યા છે.
