જામીન પર રોકના હાઈકોર્ટના આદેશને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
આજે સુનાવણી થવાની શક્યતા; અરજીમાં ત્વરિત સુનાવણીની માંગ થઈ
દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું હતું. . દિલ્હીની એક સ્થાનિક કોર્ટે તેમને જામીન આપ્યા હતા, ત્યારબાદ હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી તેમના પર રોક લગાવી દીધી હતી, આ પ્રતિબંધ વિરુદ્ધ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટની વેકેશન બેંચ સોમવારે એટલે આજે આ કેસની સુનાવણી કરી શકે છે.
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે કથિત દારૂ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટના જામીનના આદેશ પર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો. જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે કહ્યું, ‘હું બે-ત્રણ દિવસ માટે આદેશ અનામત રાખું છું. આદેશ જાહેર ન થાય ત્યાં સુધી નીચલી અદાલતના આદેશના અમલ પર રોક લગાવવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પર જવાબ માંગવા માટે કેજરીવાલને નોટિસ પણ જારી કરી હતી, જેમાં રાઉઝ એવન્યુ કોર્ટના 20 જૂનના આદેશને પડકારવામાં આવ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે તેને જામીન આપ્યા હતા. હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે તે સમગ્ર રેકોર્ડની સમીક્ષા કરવા માટે 2-3 દિવસ માટે આદેશ અનામત રાખે છે.