તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં બંધનું એલાન હતું, અનેકની અટકાયત
તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં આજે કન્નડ સંગઠન ‘કન્નડ ઓક્કુટા’ દ્વારા કર્ણાટક બંધનું એલાન આપવામાં આવ્યું હતું . બંધના પગલે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રાજ્યભરમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા . અનેક શહેરોમાં 144 મી કલમ લાગુ કરાઇ હતી. હવાઈ સેવાને પણ અસર થઈ હતી અને 44 ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતી.
રાજ્યવ્યાપી બંધનું એલાન હોવાથી અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. કન્નડ તરફી સંગઠનોએ વિવિધ સ્થળોએ વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા, રાજ્યના વિવિધ ભાગોમાંથી વિવિધ સંગઠનોના 50થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી .
આ રાજ્યવ્યાપી બંધનું એલાન સવારે 6 વાગ્યાથી શરુ થયુ હતું જે સાંજે 6 સુધી ચાલુ રહ્યું હતું બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉપડતી 44 ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી હતી . એરપોર્ટ અધિકારીઓએ કહ્યું હતું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે તેમજ આ અંગે મુસાફરોને જે ફ્લાઈટ્સ રદ થઈ છે તેની જાણકારી પણ આપી છે.