રાજકારણમાં કંગનાની ‘ ધાકડ ‘ એન્ટ્રી…જુઓ શું થયું એ
મંડીમાં શું ભાવ ચાલે છે તેવા કોંગ્રેસના પ્રવક્તાના નિવેદનથી શરુ થઇ બબાલ
મામલો રાષ્ટ્રીય મહિલા પંચ અને ચૂંટણી પંચ સુધી પહોચ્યો
બોલીવૂડની અભિનેત્રી અને હિમાચલ પ્રદેશનાં મંડીથી ભાજપનાં ઉમેદવાર કંગના રનૌતની સક્રિય રાજકારણમાં એન્ટ્રી થતાની સાથે જ વિવાદોનો મધપૂડો છંછેડાયો છે અને નિવેદનબાજી શરુ થઇ ગઈ છે. કંગનાનું નામ જાહેર થયું તે સાથે જ તેની વિરુદ્ધ કોંગ્રેસ પ્રવકતા સુપ્રિયા શ્રીનેતની અપમાનજનક પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એવું લખવામાં આવ્યું હતું કે, અત્યારે મંડીમાં શું ભાવ ચાલી રહ્યો છે ? આ મંડીના ભાવ શબ્દ સામે ભાજપે જોરદાર વાંધો ઉઠાવ્યો છે અને કંગના સહિતના નેતાઓએ આવા નિવેદનોની ટીકા કરી છે એટલું જ નહી આ મામલાને રાષ્ટ્રીય મહિલા પંચ અને ચૂંટણી પંચ સુધી લઇ જવામાં આવ્યું છે.
બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતીએ આ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી કોઈએ પોસ્ટ કર્યું છે તેવી ચોખવટ કરી છે પરંતુ કોંગ્રેસ પ્રવક્તાની આ સ્પષ્ટતા પર ભાજપ નેતા અમિત માલવીયએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે જો તમારું એકાઉન્ટ એ જ પોસ્ટ કરી રહ્યું છે, જેને પેરોડી અકાઉન્ટે પોસ્ટ કર્યું છે, તો એનો સીધો અર્થ એ છે કે બંને એકાઉન્ટના એડમિન એક જ છે.
આ માળામાં રાષ્ટ્રીય મહિલા પંચે ચૂંટણી પંચને પત્ર લખીને સુપ્રિયાની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.. NCWએ X હેન્ડલ પર લખ્યું હતું કે NCW સુપ્રિયા શ્રીનેત અનૈ એચએસ અહીરના અપમાનજનક આચરણથી સ્તબ્ધ છું. આવો વ્યવહાર સહન ન થઇ શકે અને મહિલાઓની ગરિમાની વિરુદ્ધ છે. NCW પ્રમુખ રેખા શર્માએ ECIને પત્ર લખીને તેમની વિરુદ્ધ તત્કાળ અને સખત કાર્યવાહીની માગ કરી છે.
કંગનાએ સુપ્રિયા શ્રીનેતની પોસ્ટનો સ્ક્રીનશૉટ શેર કરીને લખ્યું હતું કે ડિયર સુપ્રિયા જી, મેં એક કલાકારના રૂપમાં મારી કારકિર્દીના 20 વર્ષમાં અનેક રોલ પ્લે કર્યા છે. ફિલ્મ ‘ક્વિન’માં એક ભોળી છોકરીથી લઈને ‘ધાકડ’ ફિલ્મમાં એક સ્પાય અને ‘માણિકર્ણિકા’માં એક દેવીથી લઈને ‘ચંદ્રમુખી’માં આત્માનો પણ અભિનય મેં કર્યો છે. ‘રજજો’માં એક પ્રોસ્ટિટ્યુટથી લઈને ‘થલાઇવી’માં એક ક્રાંતિકારી નેતાનો પણ રોલ મેં ભજવ્યો છે. આપણે લોકોએ પોતાની દીકરીઓને રૂઢિ વિચારોથી મુક્ત કરવા જોઈએ.
કંગનાએ આગળ લખ્યું હતું કે આપણે દીકરીઓના શરીરના અંગ બાબતે જિજ્ઞાસા રાખવા કરતાં તેનાથી આગળ આવવું જોઈએ. સાથે જ સેક્સ વર્કર્સના પડકારજનક જીવન અને પરિસ્થિતિ વિશે કોઈ અપશબ્દ કે મજાક બનાવવો જોઈએ નહીં. દરેક મહિલા તેની કામગીરીને લઈને ગૌરવને પાત્ર છે, એવું કંગનાએ જણાવ્યું હતું.
સુપ્રિયા શ્રીનેત કૉંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટની અધ્યક્ષ છે. કંગના પર કરેલી આ પ્રકારની ટીકા બાબતે તેણે લખ્યું હતું કે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટને હેક કરવામાં આવ્યું હશે અથવા કોઈ બીજા પાસે પણ તેનું એક્સેસ હશે, એવું સ્પષ્ટીકરણ તેમણે કર્યું હતું. આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ બંને પક્ષ તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ મળી હતી.