IPL : પ્રશાંત-કાર્તિકની જેમ જ રાતોરાત કરોડપતિ બન્યા, અત્યારે કરિયર બચાવવા ઝઝૂમી રહ્યા છે આ ચાર ખેલાડીઓ
આઈપીએલ ઑક્શનના ઈતિહાસમાં અનેક એવા નામ રહ્યા જેમને પ્રશાંત વીર અને કાર્તિક શર્માની જેમ જ રાતોરાત કરોડપતિ બનવાની તક મળી હતી. પ્રશાંત અને કાર્તિકને ચેન્નાઈ સુપરકિંગ્સે 14.20-14.20 કરોડ રૂપિયામાં ખરીદ કર્યા હતા. જો કે અન્ય ભારતીય ખેલાડીઓ પણ એવા છે જેમને પ્રશાંત-કાર્તિકની જેમ કરોડો રૂપિયા મળ્યા હતા પરંતુ તેનો દામ પ્રમાણે કામ કરી ન શકતા અત્યારે ઘરેલુ ટૂર્નામેન્ટ પૂરતા જ સીમિત રહી ગયા છે.
તમીલનાડુ વતી રમતા શાહરૂખ ખાનને 2022માં પંજાબ કિંગ્સે નવ કરોડ રૂપિયામાં ખરીદ કર્યો હતો પરંતુ તેનું પ્રદર્શન ઉતાર-ચડાવયુક્ત રહ્યું હતું. બાદમાં ગુજરાત ટાઈટન્સે તેને ખરીદયો હતો. તે હજુ પણ આઈપીએલનો હિસ્સો છે પરંતુ પોતાની કિંમત પ્રમાણે સુપરસ્ટાર બની શક્યો નથી. 2021ની હરાજીમાં ચેન્નાઈએ કૃષ્ણપ્પા ગૌતમને 9.25 કરોડ રૂપિયામાં ખરીદ કર્યો હતો પરંતુ તેને એ સીઝનમાં એક પણ મેચ રમવાની તક મળી ન્હોતી. ત્યારબાદ લખનૌ સુપરજાયન્ટસે તેને ઓછી કિંમતે ખરીદયો હતો પરંતુ તે હજુ કિંમત સાથે ન્યાય કરનારું પ્રદર્શન કરી શક્યો નથી.
આ પણ વાંચો :મોબાઈલ રિચાર્જ મોંઘું અને CNG, PNG સસ્તા થશે! રિચાર્જ માટે વધુ પૈસા ખર્ચવા પડશે, કંપનીઓ ભારે વધારો કરે તેવી સંભાવના
2024માં ચેન્નાઈ સુપરકિંગ્સે સમીર રિઝવી ઉપર 8.4 કરોડ રૂપિયા લગાવ્યા હતા. પોતાના પાવરહિટિંગ માટે જાણીતા સમીર રીઝવીને 2024ની સીઝનમાં બહુ ઓછી તક મળી પરંતુ તે કિંમત પ્રમાણે રમી શક્યો ન્હોતો. 2016માં દિલ્હી ડેરડેવિલ્સ (હાલ દિલ્હી કેપિટલ્સ)એ પવન નેગીને 8.5 કરોડ રૂપિયામાં ખરીદીને સૌને ચોંકાવ્યા હતા. જો કે ભારે કિંમતના ભાર નીચે તે દબાઈ ગયો હતો. એ સીઝનમાં તે માત્ર 57 રન બનાવી શક્યો અને એક વિકેટ જ મેળવી શક્યો હતો. હાલ તે સંન્યાસ લઈ ચૂક્યો છે.
