ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
ઈસરોનું વર્ષનું પહેલું લોન્ચ સોમવારે નિષ્ફળ ગયું હતું. PSLV-C62 મિશન પહેલાં C61 ગયા વર્ષે પણ નિષ્ફળ ગયું હતું. આ વખતે રોકેટ સફળતાપૂર્વક પ્રક્ષેપણ થયું. જોકે, ત્રીજા તબક્કા પછી ડેટા મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. બાદમાં ચોથો તબક્કો શરૂ થયો હતો પરંતુ તે પછી કોઈ અપડેટ્સ મળી રહ્યા નહોતા. ડિફેન્સ સેટેલાઈટ લોન્ચ ફેલ રહ્યું હતું. મિશન કંન્ટ્રોલ સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો હતો. બાદમાં ઈસરોના વડાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કામાં સમસ્યા આવી હતી. રોકેટે માર્ગ બદલ્યો હતો, જેના કારણે બધા 16 ઉપગ્રહો અવકાશમાં ગુમ ગયા હતા. તેમની સાથે સંપર્ક થઈ રહ્યો નથી.
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 10:17 વાગ્યે 16 ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે, પીએસએલવી-સી62 રોકેટ અવકાશમાં તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું. ઇસરોએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.
પીએસએલવીને વિશ્વના સૌથી વિશ્વસનીય પ્રક્ષેપણ વાહનોમાંનું એક માનવામાં આવે છે. તેણે ચંદ્રયાન-1, મંગલયાન અને આદિત્ય-એલ1 જેવા મિશન લોન્ચ કર્યા છે. આ પીએસએલવીની એકંદરે 64મી ઉડાન પણ છે. આ ભારતનું 9મું વાણિજ્યિક મિશન છે, જે ઉપગ્રહ બનાવવા અને લોન્ચ કરવા માટે રચાયેલ છે.
દેશના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે આને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય ખાનગી કંપનીએ પીએસએલવી મિશનમાં આટલો મોટો હિસ્સો લીધો છે. આ મિશન ઇસરોની વાણિજ્યિક શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) દ્વારા સંચાલિત છે.
આ મિશનમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ ) દ્વારા વિકસિત અન્વેષા ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે. તે અદ્યતન ઇમેજિંગ સુવિધાઓથી સજ્જ એક ગુપ્તચર ઉપગ્રહ છે, જે ચોક્કસ દેખરેખ અને મેપિંગ માટે રચાયેલ છે. તે અવકાશમાં હોવા છતાં પણ ઝાડીઓ, જંગલો અથવા બંકરોમાં છૂપાયેલા દુશ્મનોની છબીઓ કેપ્ચર કરી શકે છે.
