IPLમાં ઇશાન કિશનનું શાનદાર કમબેક : સનરાઈઝર્સ હૈદરાબાદે એક જ ઈનિંગમાં લગાવ્યા 34 ચોગ્ગા-12 છગ્ગા
વિશાખાપટ્ટનમમાં રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ-રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો જેમાં પહેલો દાવ લેતાં હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૩૪ ચોગ્ગા અને ૧૨ છગ્ગાની મદદથી ૨૮૬ રન ઝૂડી કાઢ્યા હતા. હૈદરાબાદ વતી ડેબ્યુ કરનારા ઈશાન કિશને ૪૭ બોલમાં છ છગ્ગા, ૧૧ ચોગ્ગાથી ૧૦૬ રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે ૩૧ બોલમાં ૬૭ રન બનાવી ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી.
પાવરપ્લેની છ ઓવરમાં જ હૈદરાબાદે ૯૪ રન બનાવી લીધા હતા જેના કારણે મોટો સ્કોર બનવો નિશ્ચિત હતો. હેડ અને અભિષેકે ઝડપી શરૂઆત અપાવ્યા બાદ ઈશાન કિશને પણ કોઈ કસર રાખ્યા વગર દિલ્હીના બોલરોની ધોલાઈ કરી હતી. ઈશાને આઈપીએલમાં પોતાની પહેલી સદી બનાવી હતી સાથે સાથે તે હૈદરાબાદ ફ્રેન્ચાઈઝી વતી સદી બનાવનારો પ્રથમ ભારતીય પણ બન્યો હતો. હેડ-ઈશાન ઉપરાંત હેનરિક ક્લાસેને ૩૪, નીતિશકુમાર રેડ્ડીએ ૩૦ રન બનાવ્યા હતા.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે પાછલી સીઝનમાં હૈદરાબાદે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ ૨૮૭ રન બનાવ્યા હતા જ્યારે આ વર્ષે રાજસ્થાન સામે ૨૮૬ રન ખડક્યા હતા.
