આ સલામત રાજકોટ કહેવાય ? રાત્રે ૧૧ વાગ્યે ચાલું બાઈકે ચીલઝડપ
૮૦ ફૂટ રોડ પર બોમ્બે એપાર્ટમેન્ટ પાસે વૃદ્ધ યુગલને નિશાન બનાવતી સમડી: પાંચ દિવસમાં ચેઈન ઝૂંટવી લેવાની બીજી ઘટના
પોલીસ અધિકારીઓ રાજકોટ સલામત છે, સુરક્ષિત છે, લોકો અડધી રાત્રે પણ ડર વગર બહાર નીકળી શકે છે તેવા દાવાઓ કરી રહ્યા છે પરંતુ આ દાવા જાણે કે સૂરસૂરિયું હોય તેવી રીતે પાંચ જ દિવસની અંદર બબ્બે લોકોને નિશાન બનાવી ચેઈનની ચીલઝડપ થતાં ખરેખર રાજકોટને સલામત કહેવાય તેને લઈને મોટું પ્રશ્નાર્થ મુકાઈ જવા પામ્યું છે. ગત તા.૯ના શાકભાજી લેતાં મહિલાના ગળામાંથી ચેઈનની ચીલઝડપનો બનાવ હજુ તાજો જ છે ત્યાં એક વૃદ્ધ દંપતિ ચીલઝડપનો શિકાર બનતાં પોલીસ દોડતી થઈ જવા પામી છે.

આ અંગે ભરતભાઈ ઓધવજીભાઈ પડિયા (ઉ.વ.૬૯, રહે.કૂવાડવા રોડ)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે ગત ૧૩ ફેબ્રુઆરીએ તેઓ અને તેમના પત્ની રંજનબેન મોટરસાઈકલ પર સાળાના દીકરા પરેશભાઈ કે જે જૂના મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ રહે છે ત્યાં આંટો મારવા ગયા હતા. અહીં ભોજન લઈને રાત્રે ૧૧ વાગ્યે બન્ને ઘેર પરત આવી રહ્યા હતા ત્યારે ૮૦ ફૂટ રોડ પર બોમ્બે એપાર્ટમેન્ટ પાસે એક બાઈક પર અજાણ્યા શખ્સાો ધસી આવ્યા હતા. આ બન્નેએ ચાલું બાઈકે રંજનબેને ગળામાં પહેરેલો સોનાનો ચેઈન અને ત્રિકોણ આકારના પેન્ડલ મળી ૯૫,૦૦૦ના ચેઈનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. રાત્રીના સમયે અંધારું હોય બાઈક નંબર વાંચી ન શકતાં હવે પોલીસે સીસીટીવીના આધારે આ સમડીની શોધખોળ શરૂ કરી છે.