લોકતંત્ર ખતરામાં છે ?? વિદેશમંત્રી એસ. જયશંકરને જર્મનીમાં આ પ્રશ્ન પૂછવામાં આવતા આપ્યો યાદગાર જવાબ
વિશ્વમાં લોકશાહી ખતરામાં છે તેવો ખોટો પ્રચાર વિદેશના કેટલાક લોકો દ્વારા કરવામાં આવે છે પણ ભારત તરફથી હમેશા જડબાતોડ જવાબ જ અપાયો છે. વિદેશમંત્રી એસ. જયશંકરે જર્મનીના મ્યુનિકમાં મતદાનની નિશાનીવાળી આંગળી બતાવીને કહી દીધું હતું કે અમારે ત્યાં બીજા દેશો કરતાં લોકશાહી વધુ મજબૂત છે. વિદેશમંત્રી તેમની સ્પષ્ટવક્તા શૈલી અને વ્યંગાત્મક રીતે વાત કરવા માટે જાણીતા છે.
શુક્રવારે મ્યુનિક સુરક્ષા પરિષદમાં વિદેશમંત્રી એસ. જયશંકરે લોકશાહી અંગે પશ્ચિમી દેશોની ધારણા પર ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે પશ્ચિમ દેશો ઘણીવાર લોકશાહીને માત્ર તેની વિશેષતા તરીકે જ જુએ છે. તેમણે આ નિવેદન ‘લાઈવ ટુ વોટ અનધર ડે: ફોર્ટીફાઈંગ ડેમોક્રેટિક રિઝિલિન્સ’ પેનલ ચર્ચા દરમિયાન આપ્યું હતું, જેમાં નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરી, યુએસ સેનેટર એલિસા સ્લોટકીન અને વોર્સોના મેયર રફાલ ટ્રુસ્કોવસ્કી પણ સામેલ હતા.

બેઠકમાં કેટલાક પેનલિસ્ટએ કહ્યું કે વિશ્વમાં લોકશાહીનું ભવિષ્ય જોખમમાં છે. જોકે, ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે ‘હું લોકશાહીને લઈને આશાવાદી છું. હું હમણાં જ મારા દેશની ચૂંટણીમાં ભાગ લઈને આવ્યો છું. ગયા વર્ષે રાષ્ટ્રીય ચૂંટણી યોજાઈ હતી, જેમાં 90 કરોડ મતદારોમાંથી લગભગ 70 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. ભારતમાં, મતોની ગણતરી એક જ દિવસમાં પૂર્ણ થાય છે.’
એમણે કહ્યું હતું કે વર્ષો પહેલા જે લોકો મતદાન કરતાં હતા તેના કરતાં ૨૦ ટકા વધુ લોકો આજે અમારે ત્યાં મતદાન કરે છે. આમ વિશ્વમાં બધે જ લોકશાહી ખતરામાં છે તે વાત સાથે સહમત થઈ શકાય એમ નથી.