ઈરફાનને ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ બોલવાની સજા મળી ?! જાણો શા માટે IPLની કોમેન્ટરી પેનલમાંથી હટાવાયો
ક્રિકેટમાં ખેલાડીઓની સાથે સાથે કોમેન્ટેટર્સ પણ પોતાની કોમેન્ટ્રી થકી મેચને રોમાંચિત બનાવી દેતા હોય છે. આઈપીએલ-૨૦૨૫ માટે એક કોમેન્ટ્રી પેનલનું એલાન કરાયું હતું જેમાં પૂર્વ ઑલરાઉન્ડર ઈરફાન પઠાણને સ્થાન અપાયું ન્હોતું. બધાના મનમાં એક જ સવાલ છે કે ઈરફાનને શા માટે કોમેન્ટ્રી પેનલમાંથી હટાવાયો ?
અહેવાલો પ્રમાણે અમુક ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ બોલવાને કારણે ઈરફાન સામે આ પગલું ઉઠાવાયું છે. અમુક ખેલાડીઓએ આ અંગે ફરિયાદ પણ કરી હતી. આ ખેલાડીઓનો આરોપ હતો કે ઈરફાન તેના પર વ્યક્તિગત ટીપ્પણી કરી રહ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઈરફાને અમુક ખેલાડીને લઈને જે વાત કરી હતી તેના કારણે આવું બન્યું હોય શકે છે. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કોમેન્ટરી બાદ એક ખેલાડીએ ઈરફાનને ફોન પર બ્લોક કરી દીધો હતો.
આ ઉપરાંત ઈરફાનનું વર્તન પણ બીસીસીઆઈને પસંદ પડી રહ્યું નથી. અગાઉ સંજય માંજરેકરને પણ ખેલાડીઓની ફરિયાદના આધારે કોમેન્ટરી પેનલમાંથી હટાવાયા હતા.