IPL 2025 : શું આશિષ નેહરા જ રહેશે ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ ?? સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો
ગુજરાત ટાઇટન્સ ટીમને તાજેતરમાં અમદાવાદની કંપની ટોરેન્ટ ફાર્મા દ્વારા ખરીદવામાં આવી હતી. આ કંપની પાસે IPL 2025માં ટીમના માલિકી હક હશે. ફ્રેન્ચાઇઝીને નવો માલિક મળ્યા બાદ ટીમ મેનેજમેન્ટ અને કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો થવાની આશા છે. જેના કારણે ટીમના મુખ્ય કોચ આશિષ નેહરાની નોકરી પણ જોખમમાં આવી ગઈ હતી. જો કે, ક્રિકબઝના અહેવાલ મુજબ, હવે તેને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ટોરેન્ટ ગ્રુપ તેને આઈપીએલ 2025 માટે આ પદ પર જાળવી રાખવા માંગે છે. રિપોર્ટ અનુસાર નેહરા સિવાય ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી પણ ફ્રેન્ચાઈઝી સાથે રહેશે.
ગુજરાતની ટીમ ગત સિઝનમાં આઠમા સ્થાને હતી
IPL 2024માં હાર્દિક પંડ્યાએ ટીમ છોડ્યા પછી, તે શુભમન ગીલની કપ્તાની હેઠળ સારું પ્રદર્શન કરી શકી ન હતી અને તે આઠમા ક્રમાંક પર હતી. આવી સ્થિતિમાં ગુજરાતના મુખ્ય કોચ તરીકે આશિષ નેહરાના સતત કાર્યકાળ પર મુશ્કેલીના વાદળો ઘેરાઈ રહ્યા હતા. પરંતુ ગુજરાતની ટીમ મેનેજમેન્ટે ફરી એકવાર નેહરામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ક્રિકબઝના અહેવાલ મુજબ નેહરા નવી સિઝન માટે ટીમના મુખ્ય કોચ રહેશે.
કર્સ્ટનનું સ્થાન કોણ લેશે ?
ક્રિકબઝના અહેવાલ મુજબ, મુખ્ય કોચ આશિષ નેહરા અને નિર્દેશક વિક્રમ સોલંકી ટીમ સાથે રહેશે. આનો અર્થ એ છે કે આગામી સિઝન માટે ટીમના સપોર્ટ સ્ટાફમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આશિષ કપૂર, મિથુન મનહાસ, નરેન્દ્ર નેગી અને નઈમ અમીન ટીમ સાથે રહેશે. પાકિસ્તાનની મર્યાદિત ઓવરોની ટીમના કોચ બની ગયેલા ગેરી કર્સ્ટનનું સ્થાન કોણ લેશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.