મણીપુરમાં 15 સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ : હિંસા બાદ પગલાં લેવાયા
મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સોમવારે ઈમ્ફાલ ઈસ્ટ, ઈમ્ફાલ વેસ્ટ અને થાઈબલના ત્રણ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. રાજ્યમાં ડ્રોન હુમલા બાદ મીતેઈ સમુદાયના લોકોએ રાજભવન અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદર્શન કર્યું હતું.
9 સપ્ટેમ્બરના રોજ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ રાજભવન પર પથ્થરમારો કર્યો હતો, જે બાદ પોલીસે ટીયર ગેસના શેલ અને રબરની ગોળીઓ છોડી હતી. જેમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મોડી રાત્રે મહિલાઓએ મશાલ સરઘસ કાઢ્યું હતું. આ પછી પ્રશાસને કર્ફ્યુ લગાવી દીધો છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે RAFને રાયોટ કંટ્રોલ વાહનો સાથે બોલાવવામાં આવ્યા છે. દેખાવકારોએ રસ્તાઓ બંધ કરી દીધા છે અને પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી છે. પથ્થરમારો સતત ચાલુ છે. ભીડને વિખેરવા માટે બીજી બાજુથી પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. સમગ્ર મણિપુરમાં 15 સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરી રહેલા એમ. સનાથોઈ ચાનુએ કહ્યું- અમે રાજ્ય સરકારના સુરક્ષા સલાહકાર ડીજીપીને હટાવવાની માંગ કરી છે. સાથે જ CRPFના પૂર્વ ડીજી કુલદીપ સિંહના નેતૃત્વમાં રચાયેલી યુનિફાઇડ કમાન્ડને રાજ્ય સરકારને સોંપવાની માંગ કરવામાં આવી છે.
ત્યારબાદ મહિલાઓએ મોટી સંખ્યામાં પ્રદર્શન કર્યા હતા અને આ તકે ભારે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. આ રાજ્યમાં કેમે ય કરીને શાંતિ આવતી નથી અને વારંવાર હિંસા થઈ રહી છે.