India’s Got Talent : સ્ટેન્ડ અપ કોમેડીયનોની ગાળો અને અશ્લીલ કોમેન્ટો કેટલી યોગ્ય ??
‘ફાટીને ધુમાડે ગયેલા કલાકારો’ને બળ શું પૂરું પાડે છે?
‘ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ’ નામના ઓનલાઈન શોના મુખ્ય કર્તાહર્તા વિરુદ્ધ એફ-આર-આઈ ફાટી ચુકી છે. છેલ્લા ઘણા સમયથી ખુબ વાઈરલ થયેલા વિડીયો અને પોડકાસ્ટર રણવીર અલ્લાહ્બાદીયાની ખુબ બીભત્સ કોમેન્ટના વિડીયો પણ લગભગ દરેક વ્યક્તિ સુધી પહોંચી ગયા છે. એક સ્પર્ધકને રણવીરે જે સવાલ પૂછ્યો એનું સારી ભાષામાં અહી રૂપાંતર કરવાની કોશિશ કરીએ કે – ‘તમે તમારા માતા-પિતાને સહશયન કરતા જોશો? કે પછી તેમની સાથે જોડીને બધી કથા કાયમ માટે પૂરી કરશો?’ પોડકાસ્ટર રણવીર અલ્લાહ્બાદીયાના આ શબ્દો છે. વિકૃત જ છે. આવા શોમાં ગાળો બોલવી અને સેક્સ સંબંધિત ટીપ્પણીઓ સતત કરતા રહેવી બહુ સામાન્ય છે. સ્ત્રી કલાકાર હોય કે પુરુષો- આ હવે ન્યુ નોર્મલ થઇ ગયું છે. તો સવાલ ન થવો જોઈએ છતાં પણ ક્રમાનુસાર ઘટનાક્રમનું તટસ્થ વિવરણ કરવા માટે સવાલ પૂછીએ કે સમય રૈનાના શોમાં પોડકાસ્ટર અલ્લાહબાદીયાની પેરેન્ટ્સને લઈને થયેલી ગંદી મજાક કેટલી યોગ્ય? તો તેનો જવાબ છે – ‘યોગ્ય નથી.’ હવે તે શોના બધા વિડિયોઝ હટાવી લેવામાં આવ્યા છે અને ઘણા આ છોકરાઓને મારી નાખવા કે દેશનિકાલ કરવા સુધીની વાત કરે છે તો બીજો સવાલ થાય કે – આ કોમેડીયનોનો અને તેના શોનો જે રીતે આ વિરોધ થઈ રહ્યો છે એ કેટલો યોગ્ય? તેનો જવાબ પણ એ જ છે કે – ‘યોગ્ય નથી.’ કેમ? સમજીએ.
સામૂહિક બેન્ડ વેગનમાં જોડાતા પહેલા આપણું વાજિંત્ર બરોબર આવડવું જોઈએ. બધા વિરોધ કરે એટલે બધા સાથે જોડાઈ જવું એવું હોય? બધા કોમેડિયનોના નામ ઉપર કાળો કચુડો ફેરવવા માટેનો ઠોસ પાયો હોવો જોઈએ, જે આ વિરોધના જુવાળમાં નથી.

અમેરીકાના કૉમેડી સેન્ટ્રલનો ‘રોસ્ટ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પનો’ આખો એપિસોડ ન જુઓ તો કઈ નહીં એની હાઈલાઇટેડ ક્લિપના વિડિઓ સહેલાઈથી મળી જશે. એમાં હોટેલિયર અને મશહૂર ડોનાલ્ડ ટ્રમ્પને જે રીતે બધા રોસ્ટ કરે છે, એની દીકરી ને પત્નીની હાજરીમાં! ટ્રમ્પની જગ્યાએ કોઈ પણ સામાન્ય ભારતીય હોત તો ખૂન કરી નાખે. ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા પછી પણ તેમણે કોઈ કોમેડિયનો સામે આંખ લાલ કરી નથી કે તમે 6 વર્ષ પહેલા મને આ રીતે કેમ રોસ્ટ કરતા હતા.
ટ્રમ્પ એની દીકરી સાથેના ગંદા જોક સહન કરે તો શું આપણે પણ કરી લેવાના? ના. સહન કરવાનું કોણ કહે છે. આખી વાતનો પોઇન્ટ આ ઇંગ્લિશ કહેવતમાં છે – One man’s music is another man’s noise. કોઈનું સંગીત એ કોઈના માટે ઘોંઘાટ! તમને જે ખોટું લાગે છે એ બીજી સોસાયટીમાં સાચું છે. તમારું ઉત્સર્જન એ માખીનો ખોરાક છે.
માટે પોડકાસ્ટર રણવીરે જે વલ્ગર કોમેન્ટ કરી એ તદ્દન અયોગ્ય હતી, પણ એ આપણા પરિપ્રેક્ષ્યમાં. જાતે સર્ચ કરી શકાય છે કે ચાઇનાની Manchu કોમ્યુનીટીની સ્ત્રીઓ એના સમાજના એક રીતરિવાજ મુજબ એના દીકરાઓ સાથે શું ચેષ્ટા કરે છે. એ આપણા માટે અભદ્ર હશે, એ જાતિના લોકો માટે એના વડવાઓની જૂની પરંપરા છે. એને ખોટા કહેવા જવાનો આપણો રાઇટ નથી. બીજું ઉદાહરણ: સગા મા-બાપના લગ્નમાં પોતાના બાળકો હાજર હોય એ સામાન્ય ઘટના એક સમાજમાં છે અને એ સમાજમાં એરેન્જ મેરેજ ભાગ્યે જ થાય છે. આ બીજું ઉદાહરણ કોઈ વિદેશનું નહીં પણ આપણા જ ગુજરાતનું કહું છું. ત્રીજું ઉદાહરણ : હમણાં જ ઇન્સ્ટાગ્રામમાં લગભગ લગ્નપ્રસંગે ગવાતું હશે એવું એક લોકગીત જેવું કંઈક મળ્યું જે યુવતીઓ ગાતી હતી અને તેના શબ્દોમાં માતા ઉપર વ્યવસ્થિત ગાળ સંભળાય છે – ગુજરાતી ભાષાની જ વાત છે. હવે કહો. કેટલા સમાજોને બોયકોટ કરવા ને હાય હાય કરવા જશો?
પોડકાસ્ટર રણવીર જ બોલ્યો એ ટોટલ બકવાસ હતો. (એ જ રીતે ઉદિત નારાયણે જે ચેષ્ટા કરી એ પણ વાહિયાત છે.) પણ તે છોકરામાં કે તેના બીઅર-બાઈસેપ્સ નામના ઇન્ટરવ્યુંની સીરીઝમાં દમ ક્યારેય હતો જ નહીં. એ મીડિયોકરને હાઇપ કોણે આપી? પબ્લિકે. એવું જ કહી શકાય સમય રૈના વિષે. અચાનક વાઈરલ થયો અને ‘કૌન બનેગા કરોડપતિ’માં પણ તે આવી ગયો. તે કઈ શ્રેષ્ઠ કોમેડિયન નથી. તેને મોટો કોણે બનાવ્યો? પબ્લીકે.
વાત એ છે કે આ બે મીડિયોકરને હવા આપનારા એ જ લોકો છે જે અત્યારે એ બંનેને ટ્રોલ કરી રહ્યા છે. જે ગાળોથી વાંધો હતો એ જ ગાળો હવે આ બંનેને અને તેના જેવા બીજા બધાને મળી રહી છે. તો ફરક શું રહ્યો? પહેલા નબળું ચલાવી લો છો ને હવે એમને ગાળો આપીને અને ભારતીય સમાજની કહેવાતી ચિંતા કરીને તમારી મહાન નવરાશનું વરવું પ્રદર્શન કરી રહ્યા છો!?
Beer biceps વાળો રણવીર બોલ્યો શું? એ જ ને.. જે લાખો કે કરોડો ભારતીયો દરરોજ બોલતા રહેતા હોય છે. એણે સૌથી પ્રચલિત ગાળો, જેમાં મા અને બેનનો ઉલ્લેખ હોય છે તેનું જ વિસ્તરણ કર્યું. એ ગાળો તો આપણા રૂટીનમાં રોજ બોલાય છે તો તેનો વિરોધ કેમ નથી કરતા? ખાટલે મોટી ખોડ તો ત્યાં છે. આ કોમેડીયનો આપણા જ સમાજમાંથી આવું શીખીને આવે છે એ ભાન તો સૌને હોવી જ જોઈએ ને.
– પ્રજાએ ક્યારે આ રોજ વાતે વાતે બોલાતી મા-બેન ઉપરની ગાળોનો કે એ ગાળો બોલનારા લોકોનો વિરોધ કર્યો?
– ભારતના એક કરતાં વધુ શહેરોની ઓળખ જ ત્યાંના લોકો દ્વારા બોલાતી ગાળો છે. એ ગાળો જ મા ને બેન ઉપર છે અને વળી ત્યાંના લોકો ગર્વ લે છે! આ સારી વાત છે?
– બીજા અમુક જાણીતા સ્ટેન્ડ અપ કલાકારોનું ગ્રુપ રેગ્યુલરલી ગાળો બોલતા વીડિયો બનાવે છે, ગીતો બનાવે રાખે છે, ટોયલેટ હ્યુમર તો ખરું જ પણ વીડિયોમાં વિષ્ટા સુદ્ધાં બતાવી દીધું છે. એ લોકો સાથે જાણીતા નજીકના ને ગમતા કલાકારો નિયમિત શો કરે છે કે પિક્ચરમાં આવે છે. કર્યો કોઈએ વિરોધ?
– ઇન્સ્ટાગ્રામ માં ગુજરાતની જ ત્રણ-પાંચ બહેનો અભૂતપૂર્વ સ્તરે ગંદકી ફેલાવે છે એને કોઈએ રોકી? અમુક ઉપર તો વારેઘડીએ પોલીસ કેસ થાય છે તો પણ એ ઉકરડો ફેલાવતી જ રહે છે. એ બહેનો જે સમાજમાંથી આવે છે એ સમાજોના સભ્યોની સંખ્યા તો લાખો કે કરોડોમાં છે, ને એ વળી પોતાના સમાજનું નામ વટાવતી હોય છે. આ બહેનોએ ગંદકીની કોઈ હદ બાકી નથી રાખી. કર્યો વિરોધ ત્યાં? ત્યાં કેમ કેસ નથી થતા?
– વિરાટ કોહલીની ભૂલકી દીકરીને કેવી ધમકીઓ મળી? શુભમન ગિલ અને એની બહેન માટે કેવું કેવું ભારતીયો બોલ્યા છે. તે સમયે માંહેનો સંસ્કારી ભારતીય જીવડો ક્યાં હતો?
– રોજિંદા જીવનમાં બોલતી ગુજરાતી ભાષામાં પણ આપણે સંયમ રાખીએ છીએ ખરા? ગાળો જવા દો, નાનું ટેણિયું હોય કે મોટા માજી કે મોટા કદના લેખક કે વક્તા હું આરામથી બોલશે કે લખશે — પત્તર ફાડી નાખવી. આવા શબ્દપ્રયોગોનો અર્થ પણ ખબર છે ખરો? આવા શબ્દોના વપરાશનો પણ વિરોધ કર્યો તમે?
આ પોડકાસ્ટર રણવીર તો ઠાલા ચણા જેવો છે. ને એવા ઘણા ખોખલા ચણાઓ જુદા જુદા ફીલ્ડમાં ખૂબ સફળ અને કરોડો રૂપિયા બનાવીને બેઠા છે. મેરીટનું આ દેશમાં ખાસ મહત્વ નથી જ, કોઈ પણ ફિલ્ડમાં. કોમેડિયનોને કહી જ શકાય કે હવે આ લિમિટ ક્રોસ ન કરો. પણ એવું તો પ્રાઈમ અવરમાં ગળું ફાડી ફાડીને બોલતા ન્યૂઝ એન્કરથી લઈને દરેક ફિલ્ડમાં ટોચ ઉપર બેઠેલા ગેંગસ્ટરને પૂછી શકાય ને કહી શકાય કે હવે બસ. બહુ ભ્રષ્ટ આચાર કર્યો. નાટક, ફિલ્મ, સાહિત્ય, સ્પોર્ટ્સ, શિક્ષણ, ખાણીપીણી, કોર્પોરેટ … કયા ફિલ્ડમાં વલ્ગારીટી નથી?
એટલે જે દિવસમાં પાંચ કલાક રીલ જોવા ટેવાયેલી પ્રજા પોતે ગાળોને એન્ડોર્સ કરતી હોય કે સ્ત્રીઓ વિરુદ્ધની ગાળોને સ્વીકારી લેતી હોય એ આટલા બધા કાચા કામના કેદીઓમાંથી કોઈ એકને નિશાન બનાવીને બ્યૂગલ વગાડે એ એટલું જ હાસ્યાસ્પદ લાગે છે જેટલા અમુક ઇન્ફ્લ્યુઅન્સરોની રીલ.
આ નર્યો દંભ છે પબ્લિકનો. અશ્લીલ બોલતા કોમેડીયનોનો વિરોધ સાચો છે તો રોજીંદા જીવનમાં ને બીજા ક્ષેત્રોમાં ફેલાતી ગંદકી પણ એટલા જ વિરોધને લાયક છે. આપણે કેવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ તે વિચારવું રહ્યું. ફેમિલી કે સમાજની શરમ ન હોય ને તો સોશ્યલ મીડિયા ઉપરની અડધી પ્રજા પોતે દીપક કલાલ કે ઉર્ફી જાવેદ બની જાય એમ છે. છિનાળા અને લગ્નેતર સંબંધો ને બહુ બધું ચોરીછુપીથી ચાલે છે. ગાળો વધુને વધુ સહજ બનતી જાય છે. સમાજ અધોગતિમાં જઈ રહ્યો છે કે નહિ?
Abhimanyu Modi