મસ્કના રોકેટ પર સવાર થઈ ભારતના સંચાર ઉપગ્રહની ઉડાન
દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવશે
સોમવારે રાત્રે અમેરિકાના ફ્લોરિડાના કેપ કેનાવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી એલોન મસ્કની Space X કંપનીના રોકેટ દ્વારા ભારતનો અદ્યતન સંચાર ઉપગ્રહ GSAT 20 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ભારતના કોઈ ઉપગ્રહના લોન્ચિંગ માટે કોઈ ખાનગી કંપનીની સેવા લેવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ ઉપગ્રહને કારણે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ સહિતના દૂરના વિસ્તારો સુધી બ્રોડબેન્ડ સેવાઓ પહોંચાડી શકાશે અને એ વિસ્તારોને સરળતાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકશે
આ ઉપગ્રહ GSAT – N2 નામથી ઓળખાશે.4700 કિલોનું વજન ધરાવતો આ સંચાર ઉપગ્રહ દૂરના વિસ્તારોમાં 45 Gpbs ની સ્પીડથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવા તેમ જ પેસેન્જર એરક્રાફ્ટને ઉડાન દરમિયાન ઇન્ટરનેટ સેવા પ્રદાન કરશે.અત્રે એ નોંધવું જરૂરી છે કે ભારતના રોકેટ ચાર ટનથી વધારે વજનના ઉપગ્રહોને લોન્ચ કરી શકતા નથી.અત્યાર સુધી ભારત એવા ઉપગ્રહના લોન્ચિંગ માટે ફ્રાન્સ ઉપર નિર્ભર હતું.હવે પહેલી વખત એ માટે ખાનગી કંપનીની સેવા લેવામાં આવી છે.