Indian Deported: અમેરિકાથી છેલ્લા 7 માસમાં 1703 ભારતીયોને કરાયા ડિપોર્ટ, દરરોજ 8 ભારતીયોનો થયો દેશનિકાલ
ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ બન્યા પછી અમેરિકાથી ભારતીય નાગરિકોના ડિપોર્ટેશન (દેશનિકાલ)માં વધારો થયો છે. આથી ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાને વિનંતી કરી છે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા માનવીય હોવી જોઈએ.અમેરિકાએ 2025ના વર્ષમાં એટલે કે છેલ્લા 7 મહિનામાં અત્યાર સુધી કુલ 1703 ભારતીય નાગરિકોને દેશમાંથી ડિપોર્ટ કર્યા છે, જેમાં 141 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં આ માહિતી આપી હતી. આમ રોજ 8 ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : દુષ્કર્મના કેસમાં પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા : પૂર્વ PM દેવગૌડાના પૌત્રને રૂ.11 લાખનો દંડ ફટકારાયો
વિદેશ મંત્રાલયના આંકડાઓ મુજબ, વર્ષ 2025ના પહેલા સાત મહિનામાં જ 1703 ભારતીયોને અમેરિકાથી બળજબરીપૂર્વક પાછા ભારત મોકલવામાં આવ્યા છે, એટલે કે સરેરાશ દરરોજ આઠ ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. આ આંકડો બાઈડન સરકાર અને ટ્રમ્પના પહેલા કાર્યકાળના છેલ્લા વર્ષ કરતાં ત્રણ ગણો વધારે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે 2025ની શરૂઆતથી જ ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી છે. તેમણે ગેરકાયદેસર પ્રવાસીઓ અને વીઝાના નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી તેજ કરી છે. 26 જૂને અમેરિકી વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, વીઝા મળ્યા પછી પણ દેખરેખ ચાલુ રહેશે. જો નિયમોનો ભંગ થશે તો વીઝા રદ કરી દેશનિકાલ કરવામાં આવશે. આ સાથે જ, અમેરિકી સરકારે ચેતવણી આપી છે કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારાઓની ધરપકડ, દેશનિકાલ અને ભવિષ્યમાં વીઝા પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે.
આ પણ વાંચો : મેઘરાજા આરામના મૂડમાં : હવે જન્માષ્ટમીએ વરસાદ જમાવટ કરે તેવી શક્યતા, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
2024માં 5 લાખ યાત્રા
શુક્રવારે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં માહિતી આપી હતી કે, વર્ષ 2020થી લઈને 2024 વચ્ચે 5541ભારતીયો અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવ્યા હતા. 22 જુલાઈ, 2025 સુધીમાં અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની સંખ્યા 1703 છે. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં (2020-2024) બ્રિટનથી 311 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા, જ્યારે 2025માં અત્યાર સુધી આ સંખ્યા 131 છે.
