અમેરિકામાં જન્મેલા ભારતીય બાળકો નાગરિકત્વથી વંચિત રહી જશે !! ચૂંટણીમાં ટ્રમ્પ ચુંટાઈ આવતા બાળકોના ભવિષ્ય ચિંતામાં
ભારતમાં ઘર આંગણે અનેક લોકો અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં ટ્રમ્પના વિજયને વધાવી રહ્યા છે ત્યારે અમેરિકામાં સ્થાયી થયેલા લાખો ભારતીયો ટ્રમ્પની ઈમીગ્રેશન નીતિને કારણે ભવિષ્યની ચિંતામાં મુકાઈ ગયા છે. ખાસ કરીને ‘નેચરલાઈઝડ સિટિઝન’ ની જોગવાઈમાં ફેરફાર કરવાના ટ્રમ્પના નિર્ણયને કારણે અમેરિકામાં જન્મેલા બાળકો પણ અમેરિકાના નાગરિકત્વથી વંચિત રહી જશે તેવી આશંકા જન્મી છે.
‘નેચરલાઈઝડ સિટિઝન’ ની જોગવાઈ અંતર્ગત અમેરિકામાં જન્મેલા બાળકોને આપોઆપ અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ ટ્રમ્પ એ જોગવાઈમાં ફેરફાર કરવા માટે મક્કમ છે. ડોનાલ્ડ ટ્રમ્પેટ તેમના ચૂંટણી ઢંઢેરામાં આ અંગેનું વચન આપ્યું હતું. તેમની વેબસાઈટ ઉપર જણાવ્યા અનુસાર પ્રથમ દિવસથી જ ટ્રમ્પ એ જોગવાઈનો અમલ કરવા પ્રતિબ્ધ્ધ છે. તેમાં જણાવ્યા અનુસાર નેચરલાઈઝડ સિટિઝનશીપ મેળવવા માટે પતિ પત્ની માંથી કોઈપણ એક પાત્ર અમેરિકન નાગરિકત્વ ધરાવતું હોવું જરૂરી બનશે.
આ જોગવાઈની સૌથી વધારે અસર ભારતીયો પર થશે. અમેરિકામાં નોકરી આધારિત ગ્રીન વિઝાનો બેક લોગ દસ લાખને આંબી ગયો છે. એ સંજોગોમાં અત્યારે અમેરિકામાં નોકરી કરતા આશરે અઢી લાખ દંપતીઓને આવતા 50 વર્ષ સુધી ગ્રીન વિઝા માટે રાહ જોવી પડશે. આ દંપતીઓના યુએસમાં જન્મેલા બાળકો અત્યાર સુધી આપોઆપ અમેરિકન નાગરિકત્વ મેળવતા હતા પણ જો એ નીતિમાં ફેરફાર થશે તો એ બાળકો 21 વર્ષની વય વટાવ્યા બાદ ગેરકાયદે વસાહતી બની જશે અને તેમણે અમેરિકા છોડવું પડશે.