India vs England 3rd T20 : રાજકોટમાં ફર્યું વરુણનું ‘ચક્ર’ ઈંગ્લેન્ડને એકલા હાથે નચાવ્યું : પાંચ વિકેટ ખેડવી
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલા ટી-૨૦ મુકાબલામાં વરુણ ચક્રવર્તીનું `ચક્ર’ ચાલી જતાં ઈંગ્લેન્ડના બેટરો રીતસરના નાચતાં જોવા મળ્યા હતા. સ્પીનરોને મદદ આપતી પીચ પર વરુણ ચક્રવર્તીએ એક બાદ એક પાંચ વિકેટ ખેડવી નાખતાં ઈંગ્લેન્ડ ટીમ બેકફૂટ પર ધકેલાઈ જવા પામી હતી. એક સમયે ઈંગ્લેન્ડે શરૂઆતમાં વિકેટ ગુમાવવાની સાથે સાથે શરૂઆત પણ ઝડપી કરી હતી પરંતુ વરુણ ચક્રવર્તી જેવો બોલિંગમાં ઉતર્યો કે બેટરોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા.
દરમિયાન સૂર્યકુમાર યાદવ-જોશ બટલર જ્યારે ટોસ માટે ગ્રાઉન્ડ ઉપર આવ્યા ત્યારથી જ ક્રિકેટરસિકોનો `જોશ’ હાઈ થઈ ગયો હતો અને જેવો ભારતે ટોસ જીત્યો કે સ્ટેડિયમના `અવાજ’માં તીવ્ર વધારો થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ વતી બેન ડકેટે ૨૮ બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૫૧ રન બનાવ્યા હતા.
જ્યારે લિયામ લિવિંગસ્ટોન આજે `રંગ’માં હોય તેવી રીતે ૨૪ બોલમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી ૪૩ રન ઝૂડી કાઢ્યા હતા. આ સિવાય ઈંગ્લેન્ડના એક પણ બેટર લાંબો સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા ન્હોતા. ભારત વતી બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં ૨૪ રન આપી ચાંક વિકેટ ખેડવી હતી. તેના ઉપરાંત હાર્દિક પંડ્યાએ બે અને બિશ્નોઈ-અક્ષરે એક-એક વિકેટ ખેડવી હતી.
ભારતે પાંચ મેચની શ્રેણીના પ્રથમ બે મુકાબલા જીત્યા હોવાથી એવી અપેક્ષા હતી કે રાજકોટ ટી-૨૦ મુકાબલો જીતીને ભારત શ્રેણીમાં ૩-૦ની અજેય લીડ મેળવી લેશે પરંતુ એવું બન્યું ન્હોતું. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમે ઝડપી શરૂઆત કરતા ૯ ઓવરમાં એક વિકેટે ૮૩ રન બનાવ્યા હતા. ભારતે ઈંગ્લેન્ડના ૮૩ રનના સ્કોરે બટલરની વિકેટ ખેડવી હતી. આ પછી ૧૨૮ રન સુધી પહોંચતાં પહોંચતાં ઈંગ્લેન્ડના ૮ બેટર પેવેલિયન પહોંચી ગયો હતો. આ રીતે ઈંગ્લેન્ડે ૪૫ રનના અંતરાલમાં સાત વિકેટ ગુમાવી હતી. આ સમયે લિયામ લિવિંગસ્ટને ૨૪ બોલમાં ૪૩ રન ઝૂડી નાખતાં ઈંગ્લેન્ડ ૯ વિકેટે ૧૭૧ રન બનાવવામાં સફળ રહ્યું હતું. ઈંગ્લેન્ડ વતી બેન ડકેટ (૨૮ બોલમાં ૫૧ રન)એ પણ શ્રેષ્ઠ ઈનિંગ રમી હતી. ભારત વતી વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ખેડવી હતી.