રવિવારે ભારત-પાકિસ્તાન ફરી આમને-સામને : સુપર-4માં પણ હાથ નહીં મીલાવે ટીમ ઈન્ડિયા
પાકિસ્તાની ટીમે UAE સામે મેચ રમતા પહેલાં ભારે નાટક કર્યું હતું પરંતુ તેની પાવલી પણ ન ઉપજતાં નીચી મુંડી રાખીને રમવા ઉતરવું પડ્યું હતું. મેચમાં માંડ માંડ જીત મેળવી સુપર-4માં ટીમ પહોંચી તો ગઈ છે પરંતુ અહીં તેમનો સામનો ફરી `તાકાતવર’ ભારત સામે થવાનો છે. રવિવારે બન્ને વચ્ચે દુબઈના ગ્રાઉન્ડ ઉપર ફરી ટક્કર થશે.
એશિયા કપની આઠ ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. બન્ને ગ્રુપમાંથી ટોપ-2 ટીમને સુપર-4માં જગ્યા મળશે. ત્યાં તમામ ચાર ટીમ એક-બીજા સામે મુકાબલો કરશે. ભારતીય ટીમ સુપર-4ની પહેલી મેચમાં જ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 21 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે આઠ વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાશે.
આ પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે પણ મુકાબલો થયો હતો જેમાં ભારતે સાવ સરળતાથી સાત વિકેટે જીત મેળવી હતી. ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 28 સપ્ટેમ્બરે થશે અને તેમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. સુપર-4માં ટોપ-2 પર રહેનારી ટીમ વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમાશે.
સુપર-4માં પણ હાથ નહીં મીલાવે ટીમ ઈન્ડિયા
એશિયા કપમાં ટોસ વખતે અને મેચ બાદ ભારતીય ટીમે હાથ ન મીલાવતા પાકિસ્તાને ભારે ઉધામો મચાવ્યો હતો પરંતુ તેનું કશું જ ઉપજ્યું ન્હોતું. હવે રવિવારે ફરી બન્ને મેચ રમવાના છે ત્યારે આ મેચમાં પણ ભારતીય ટીમ પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મીલાવશે નહીં. બીજી બાજુ પાકિસ્તાન આ વાતને લઈને તૈયાર પણ થઈ ગયું છે.
