ભારતે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરવું જ પડશે: મોહમ્મદ યુનુસ
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા સલાહકાર
મહંમદ યુનુસે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે હસીના સામે
અનેક ગંભીર ગુનાઓ બદલ કેસ ચાલે છે. તેનો ચુકાદો આવી ગયા બાદ તેમના પ્રત્યાર્પણની માંગણી કરવામાં આવશે અને ભારતે પ્રત્યાર્પણ કરવું જ પડશે.
જાપાનના એક અખબાર સાથેની મુલાકાતમાં તેમણે બાંગ્લાદેશની વર્તમાન રાજકીય, આર્થિક અને સામાજિક સ્થિતિનું વિશ્લેષણ કર્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને તેમણે અપપ્રચાર ગણાવ્યો હતો. હસીના ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે તેમના શાસનમાં બાંગ્લાદેશના બંધારણીય અને ન્યાયિક માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં શેખ હસીના સામે ચુકાદો આવી ગયા બાદ ઔપચારિક રીતે તેમના પ્રત્યારોનની ભારત પાસે માગણી કરવામાં આવશે અને ભારતે આંતરરાષ્ટ્રીય કાનૂન નો અમલ કરવો પડશે.
મહંમદ યુનુસે કહ્યું કે શેખ હસીનાએ લોકશાહીનું ગળું ઘોંટી દીધું હતું. સતત ત્રણ ચૂંટણી એ રીતે યોજવામાં આવી હતી કે જેમાં મતદારો સામેલ નહોતા થયા. હસીનાના શાસનમાં બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું
ભયંકર હનન થયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
નોંધનીય છે કે શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથિઓ દ્વારા હિન્દુઓ અને હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી તત્વો ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે. કટરવાદી સંસ્થાઓ દ્વારા ઇસ્કોન જેવી ધાર્મિક સંસ્થા ઉપર પ્રતિબંધ લાદવાની માંગણી કરવામાં આવી છે. ગત અઠવાડિયે ઢાકા યુનિવર્સીટીમાં
હજારો વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા હતા અને શેક હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી હતી.