ભારત ચોથી વખત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં: વાનખેડેમાં ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું, રવિવારે ન્યુઝીલેન્ડ સામે અમદાવાદમાં ફાઇનલ મુકાબલો
મુંબઈ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ટી-20 વર્લ્ડ કપની દિલધડક સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને સાત રને હરાવી સળંગ બીજી વાર ફાઇનલમાં એન્ટ્રી કરી છે. હવે ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતે સંજુ સેમસનના શાનદાર 89 રનની મદદથી 253 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં જેકબ બેથેલે ઇંગ્લેન્ડ માટે શાનદાર સદી ફટકારી પરંતુ અંતિમ ઓવરમાં ઇંગ્લેન્ડને 30 રનની જરૂર હતી ત્યારે શિવમ દુબેએ આખરી ઓવરમાં 23 રન આપી ભારતને સાત રને જીત અપાવી હતી.
મેચમાં ભારતે ટોસ હારી પહેલા બેટિંગ કરી હતી. જો કે શરૂઆતથી જ શરૂ કરેલી આક્રમક બેટિંગ છેવટ સુધી યથાવત રાખી 20 ઓવરમાં 7 વિકેટે 253 રન ઝૂડી નાખ્યા હતા. ભારત વતી સંજુ સેમસને 42 બોલમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. ઇશાન કિશન (18 બોલમાં 39 રન, 4 ચોગ્ગા, 2 છગ્ગા)એ સંજુ સેમસનને સાથ આપ્યો અને 97 રન ઉમેર્યા હતા. જ્યારે કેપ્ટન સૂર્યા 11 રન બનાવીને આઉટ થયો હતો.
આ ઉપરાંત શિવમ દુબેએ 25 બોલમાં 4 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા તો ડેથ ઓવરમાં, હાર્દિક પંડયા (12 બોલમાં 27 રન) અને તિલક વર્મા (7 બોલમાં 21 રન અને 3 છગ્ગાની મદદથી)એ ઝડપી ઇનિગ્સ રમી ટીમને 250 રનની પાર પહોંચાડી હતી. બીજી તરફ, ઇંગ્લેન્ડના મુખ્ય ઝડપી બોલરો ખૂબ જ ધોવાયા હતા. જોફ્રા આર્ચર (1 વિકેટ) એ 4 ઓવરમાં 61 રન આપ્યા, સેમ કુરન (4 ઓવરમાં 53 રન આપ્યા અને કોઈ વિકેટ મેળવી શક્યો નહીં. ઇંગ્લેન્ડ માટે સ્પિનરોએ થોડું સારું પ્રદર્શન કર્યું હતું. ફક્ત વિલ જેક્સ (40 રનમાં 2 વિકેટ) અને આદિલ રશીદ (41 રનમાં 2 વિકેટ) જ ભારતીય બેટ્સમેનોને અંકુશમાં રાખી શક્યા હતા. ઇંગ્લેન્ડ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 246 રન બનાવી શક્યું હતું.
ઇંગ્લેન્ડનો સૌથી સફળ બેટ્સમેન જેકબ બેથેલ હતો, જેણે સેમિફાઇનલમાં શાનદાર સદી ફટકારી હતી. બેથેલે 48 બોલમાં 7 છગ્ગા ફટકારીને 105 રન બનાવ્યા હતા. આ તેની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી સદી હતી. જોકે બેથેલની સદી છતાં, ઇંગ્લેન્ડ જીતથી દૂર રહ્યું હતું.
આ પણ વાંચો :23 વર્ષ બાદ પહેલીવાર ટીમ ઈન્ડિયા ROKO વગર ઉતરી: વાનખેડે સ્ટેડિયમમાં પૂર્વ કેપ્ટન MS ધોની અને રોહિત શર્મા મેચ જોવા પહોંચ્યા
હાર્દિક પંડયા ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી હતી. સેમિફાઇનલમાં ભારત તરફથી છ બોલરોએ બોલિંગ કરી હતી, જેમાં 5 વિકેટ લીધી હતી. પંડયા સિવાય અન્ય ચાર બોલરોએ 1-1 વિકેટ લીધી હતી.
