IND vs AUS : પર્થ ટેસ્ટમાં ભારતના ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન, 150 રનમાં આખી ટીમ તંબુ ભેગી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજથી (22 નવેમ્બર) પર્થમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ટીમ બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન બતાવ્યું હતું અને 150 રનમાં જ સમેટાઇ ગઈ હતી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલા નીતિશ રેડ્ડીએ સૌથી વધુ 41 રન (59 રન) બનાવ્યા હતા, જ્યારે વિકેટકીપર બેટર રિષભ પંતે 78 બોલમાં 37 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 48 રનની ભાગીદારી થઈ હતી. કેએલ રાહુલે 74 બોલમાં 26 રનનું યોગદાન આપ્યું હતું.
શુક્રવારે સવારે ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 73 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું ખોલાવી શક્યા ન હતા. વિરાટ કોહલી 5 રન, ધ્રુવ જુરેલ 11 રન અને વોશિંગ્ટન સુંદર 4 રન બનાવીને આઉટ થયા હતા.
ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી જોશ હેઝલવુડે 4 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સ, મિચેલ માર્શ અને મિચેલ સ્ટાર્કને 2-2 વિકેટ મળી હતી.
ડેબ્યૂ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી ઝળકયો
ભારત તરફથી બુમરાહની કેપ્ટન્સીમાં આ મેચમાં બે યુવા ક્રિકેટર્સે ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી જ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી રહેલા નીતિશ કુમાર રેડ્ડીએ લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ કરીને ટીમનો શરમજનક ધબડકો થતાં અટકાવ્યો હતો. તેણે વિકેટકીપર ઋષભ પંતનો સાથ આપીને ટીમના સ્કોરને 150 સુધી પહોંચાડ્યો હતો. પોતાની પ્રથમ ટેસ્ટ ઇનિંગમાં જ નીતિશ કુમાર રેડ્ડી ટીમ ઈન્ડિયા માટે સૌથી વધારે રન સ્કોર કરનાર બેટર રહ્યો હતો. નીતિશ રેડ્ડીએ 59 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 41 રન ફટકાર્યા હતા.
પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમના 11 ખેલાડીઓ: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ.
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટ-કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.