IND vs AUS 5th Test : રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર, બુમરાહ ટીમનું સુકાની પદ સંભાળશે
ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે. તેના સ્થાને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શુક્રવારે સવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે કેપ્ટનશિપ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિતે આ ટેસ્ટ સીરિઝમાં ખરાબ પ્રદર્શન આપતાં તેને અંતિમ મેચમાં ટીમમાંથી બહાર કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે તેના સ્થાને જસપ્રીત બુમરાહને ટીમનું નેતૃત્વ સોંપવાના અહેવાલો મળ્યા છે. મેલબર્ન ટેસ્ટમાં ભારતની હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીર અને ખેલાડીઓ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં બોલાચાલી થઈ હોવાની અટકળો પણ વહેતી થઈ છે.
બુમરાહ કેપ્ટનશીપ કરશે
હવે છેલ્લી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, રોહિતે કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકરને પ્લેઇંગ-11ની બહાર રહેવાના નિર્ણયની જાણ કરી છે. એવું જાણવા મળ્યું છે કે આ માટે બંને સંમત થયા છે. આનો અર્થ એ પણ થઈ શકે છે કે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ રોહિત માટે છેલ્લી હોઈ શકે છે.
પ્લેઇંગ ઇલેવનમાં ગિલ
રોહિત શર્મા પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર છે. તેના સ્થાને જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ સંભાળશે. જ્યારે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગની જવાબદારી સંભાળશે. જ્યારે, ગિલ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે.
પ્રખ્યાત કૃષ્ણને પણ સ્થાન મળશે
ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે. રિષભ પંત પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. હાલમાં ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ મહત્વપૂર્ણ છે. WTC ફાઇલ સુધી પહોંચવા માટે, ભારતે કોઈપણ કિંમતે આ મેચ જીતવી પડશે.
રોહિત નેટ્સમાં સૌથી છેલ્લે બેટિંગ કરવા આવ્યો
મેચની પૂર્વસંધ્યાએ ટ્રેનિંગ દરમિયાન જ્યારે ફિલ્ડિંગ ડ્રિલ્સ ચાલી રહી હતી ત્યારે ગંભીર બુમરાહ સાથે લાંબી વાતચીત કરતા જોવા મળ્યો હતો. રોહિતે નેટ્સ પર થોડા સમય માટે સાઇડ-આર્મ બોલરો સાથે બેટિંગ કરી હતી. હકીકતમાં પ્રેક્ટિસ માટે રોહિત સૌથી છેલ્લો આવ્યો હતો. ઉપરાંત તે રેગ્યુલર સ્લિપ પ્રેક્ટિસ સેશન દરમિયાન પણ ગાયબ હતો.
અગાઉ આજે જ્યારે ગંભીરને રોહિતના પ્લેઇંગ-11માં સ્થાન વિશે પૂછ્યું હતું ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે ‘રોહિત સાથે બધું બરાબર છે. અમે આવતીકાલે વિકેટ પર નજર નાખીશું અને પ્લેઇંગ-11ની જાહેરાત કરીશું.’