ભારતના પ્રમુખ પદ હેઠળની સમિટમાં ઐતિહાસિક નિર્ણય
સમગ્ર વિશ્વનું કલ્યાણ એ જ ભારતનો સંદેશો:મોદી
ભારતના પ્રમુખ પદ હેઠળની g20 સમિટ માં ઇતિહાસ રચાયો છે. 56 આફ્રિકન દેશોના સંગઠન આફ્રિકન યુનિયનનો આ સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ બધા દેશોની સહમતિથી આ નિર્ણય જાહેર કર્યો હતો અને આફ્રિકન યુનિયન ના વડાને તેમની બેઠક પર બિરાજમાન થવા આમંત્રણ આપ્યું હતું. નોંધનીય છે કે આફ્રિકાના ખનીજ અને તેલ સંપદાથી સમૃદ્ધ દેશો અને બીજી તરફ અનેક ગરીબ દેશોમાં ચીનની વધતી જતી વગ અટકાવવામાં આ ખૂબ મહત્વનું પગલું સાબિત થશે.
શનિવારે દિલ્હી ખાતે ભવ્ય ભારતમંડપમમાં G 20 બેઠકનો દબદબાભેર પ્રારંભ થયો હતો. વડાપ્રધાન મોદીએ ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમા કોણાર્ક ચક્ર સન્મુખ ઊભા રહી દરેક દેશના નેતાઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સમિટના પ્રારંભે તેમણે મોરક્કોમાં આવેલા ભયાનક ભૂકંપ નો ઉલ્લેખ કરી સંવેદના વ્યક્ત કરી હતી અને સંકટના આ સમયમાં ભારત અને સમગ્ર મોરક્કોની સાથે હોવાની ખાતરી આપી હતી. વડાપ્રધાને પોતાના પ્રારંભિક ઉદબોધનમાં સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આપણે જ્યાં ઉપસ્થિત છીએ તેનાથી થોડે જ દૂર આવેલા અઢી હજાર વર્ષ જૂના સ્તંભ પર માનવતાના કલ્યાણ અને સુખદેવ નિશ્ચિત કરવાનો સંદેશો લખેલો છે. અઢી હજાર વર્ષ જૂના એ સંદેશા ને યાદ કરી અને તેમણે સમિટ નો પ્રારંભ કરાવ્યો હતો.
ઉદબોધનના મુખ્ય અંશો:
વિશ્વએ માનવ કેન્દ્રિત અભિગમ અપનાવો પડશે
કોવિડ બાદ વિશ્વમાં વિશ્વાસના અભાવ નું સંકટ સર્જાયું છે. યુક્રેન યુદ્ધને કારણે એ સંકટ વધુ ઘેરુ બન્યું છે. આપણે કોવિડને હરાવી શકીએ તો અવિશ્વાસ ના આ સંકટને પણ ચોક્કસ પરાજિત કરીશું.
સબકા સાથ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ નો મંત્ર વિશ્વ માટે પથ દર્શક બની રહેશે.
ફૂડ ફીવર અને ફર્ટિલાઇઝર એ ત્રણ મુદ્દા સૌથી વધારે મહત્વના બની રહેવા જોઈએ.
નોર્થ સાઉથ અને ઇસ્ટ વેસ્ટ ના ભેદ ભુલાવવા પડશે.
હેલ્થ, એનર્જી,આતંકવાદ અને સાઇબર સિક્યુરિટી જેવા પડકારો નો એક બનીને સામનો કરવો પડશે.
વર્તમાનની સાથે જ આવતી પેઢીઓ માટે સમાધાન શોધવાનો સમય પાકી ગયો છે.
