મહારાષ્ટ્રના કયા ગામમાં કોની વચ્ચે હિંસા થઈ ? કેટલાના મોત ? વાંચો
મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના વાશી તાલુકાના બાવી ગામમાં પાણીના સપ્લાય મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સમગ્ર ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બે જૂથો વચ્ચેની હિંસક અથડામણ મામલે પોલીસે ગુનો નોંધી, 10 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે યરમાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાવી ગામમાં બે જૂથો વચ્ચે પાણી મામલે વિવાદ સર્જાયો હતો. જેમાં ખેતરમાં આવેલા કુવામાંથી પાણીના સપ્લાયને લઈને મામલો વકર્યો હતો અને વિવાદ વધુ ઉગ્ર બનતા બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી. બંને જૂથો વચ્ચે અથડામણ હિંસક બનતા અપ્પા કાલે, સુનીલ કાલે અને વૈજનાથ કાલે નામના ત્રણ શખસોના મોત નીપજ્યા હતા.
બંને જૂથના આ તમામ લોકો દૂરના સગા હતા અને પાણી બાબતે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ તરત જ ધારાશિવ પોલીસે 10 લોકોની અટકાયત કરી હતી.