કેજરીવાલે હવે કઈ કોર્ટમાં છોડી દેવા અરજી કરી ? જુઓ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડને લઈને જામીન માટે સોમવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલે તેમની સીબીઆઇ ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી હતી. જેમાં ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈ-મેઈલ રજીસ્ટ્રીને મોકલવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં અરવિંદ કેજરીવાલને પહેલા જ વચગાળાના જામીન આપી દીધા છે. પરંતુ સીબીઆઈ કેસમાં તેમને હજુ સુધી જામીન મળ્યા નથી. દિલ્હી હાઇકોર્ટે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી અને જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું હતું.
અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા. જો કે, દિલ્હી હાઇકોર્ટે 25 જૂને આ આદેશ પર રોક લગાવી દીધી હતી. આ પછી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાંથી તેમને 12 જુલાઈના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.
દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇ મામલામાં કેજરીવાલની જામીન અરજી પર ચુકાદો આપ્યો નથી. 29 જુલાઈએ સુનાવણી બાદ ચુકાદો અનામત રાખી દીધો હતો. તે જ દિવસે સીબીઆઇ દ્વારા કેજરીવાલ સહિતના સામે ચાર્જશીટ દાખલ કરી હતી.