મોદીએ ઈશારો કર્યો, વસુંધરાએ જીદ છોડી
રાજસ્થાન વિધાન સભા ચુંટણીમાં ભાજપ કોને મુખ્યમંત્રીપદના ઊમેદવાર બનાવશે તે પ્રશ્ન લાંબા સમયથી પૂછાઈ રહ્યો છે પરંતુ વડાપ્રધાન મોદી આજે રાજસ્થાનના પ્રવાસ દરમિયાન વટાણા વેરી દીધા હતા અને કહ્યું હતું કે ચુંટણીમાં અમારો ચહેરો એક જ છે, કમળ.
ચિત્તોડગઢ ખાતે સભાને સંબોધતા મોદીએ સાફ કરી દીધું હતું અને આટેક વસુંધરા રાજે પણ બાજુમાં જ બેઠા હતા. સીએમ પદ માટે ગજેન્દ્ર શેખાવત અને વસુંધરાને મુખ્ય દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. મોદીએ એવી ચોખવટ કરી છે કે પાર્ટી ખાસ ચેહરાને સામે રાખ્યા વગર ચુંટણી લડવા જઈ રહી છે.
એવું પણ બહાર આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નડા સાથેની મુલાકાત દરમિયાન વસુંધરાને રાજી કરી લેવાયા છે. એમ માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય નેતાગીરીએ ભાજપના બધા નેતાઓને એ વાત પર સંમત કરી લીધા છે કે એક થઈને બધા ચુંટણી લડીને પાર્ટીને જીત અપાવે અને ત્યારબાદ બાકીના ફેસલા લેવાશે.
વડાપ્રધાને કહ્યું હતું કે કમળ જ આપણો ચેહરો છે, આપણો ઊમેદવાર છે, આપણી આશા કમળ છે અને બધા સાથે મળીને કમળને જિતાડશે તેવા લક્ષ્ય સાથે જ ચુંટણી લડવાની છે.