સંસદમાં મોદીએ તમામ પીએમને યાદ કર્યા
ખાસ સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાને જૂની યાદો વાગોળી, ઇમરજન્સી અને કેશકાંડ પણ જૂની સંસદમાં જોયા, જૂના ભવનની વિદાય ભાવુક પળ
સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ ગયું હતું. સંસદના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થઈ જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે. વિશેષ સત્ર માટે સરકારે મહત્વની તૈયારીઓ કરી છે. આ દરમિયાન વિશેષ સત્રની શરૂઆત થતાં જ રાજ્યસભા અને લોકસભામાં હોબાળો મચી ગયો હતો. લોકસભાને સંબોધીને વડાપ્રધાને તમામ પીએમને યાદ કર્યા હતા અને કેટલીક કડવી યાદો પણ વાગોળી હતી.
મોદીએ કહ્યું કે આ એ જ ગૃહ છે જ્યાં 4 સાંસદવાળી પાર્ટી સત્તામાં રહી છે અને 100 સાંસદવાળી વિપક્ષમાં…. આપણે અહીંથી એક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે વિદાય લઈશું. નહેરુજીના ગુણગાન જો ગૃહમાં થશે તો કયો સભ્ય હશે જે તેના પર તાળી નહીં વગાડે.
મોદીએ કહ્યું કે એવા અગણિત લોકો હશે જેમણે આપણે સારી રીતે કામ કરીએ છીએ, ઝડપથી કામ કરી શકીએ તેના માટે યોગદાન આપ્યું હશે. આ રીતે યોગદાન આપનારા લોકોને હું અને ખાસ કરીને આ ગૃહ વતી નમન કરું છું. આતંકી હુમલો થયો. સમગ્ર વિશ્વમાં આ હુમલો એક ઈમારત પર નહોતો પણ એક રીતે આપણા જીવાત્મા પર હુમલો હતો. આ દેશ એ ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકે પણ આતંકીઓ સાથે લડતા લડતાં સભ્યોને બચાવવા માટે જેમણે પોતાની છાતી પર ગોળીઓ ખાધી આજે હું તે સૌને નમન કરું છું.
પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, શાસ્ત્રીજીથી લઈને મનમોહન સિંહ સુધી બધાએ દેશને નવી દિશા આપી. આજે સૌના ગુણગાન કરવાનો સમય છે. સૌએ આ ગૃહને સમૃદ્ધ કરવા અને દેશના સામાન્યથી સામાન્ય નાગરિકને અવાજ આપવાનું કામ કર્યું છે.
રાજીવજી, ઈન્દિરાજીને જ્યારે દેશએ ગુમાવ્યાં ત્યારે જ આ ગૃહે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
આજે આપણે આ જૂના સંસદ ભવનથી વિદાય લઈ રહ્યા છીએ. આ હવે દેશ માટે આગળ વધવા માટેનું અવસર છે. જૂનું સંસદ ભવન આપણને હંમેશા પ્રેરણા આપતું રહેશે. સંસદ ભવનના નિર્માણમાં દેશના લોકોએ પરસેવો વહાવ્યો. ભારતના ગૌરવની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. આ ઐતિહાસિક જૂનું સંસદ ભવન આપણા સૌનો સંયુક્ત વારસો છે. આજે આપણે તેનાથી વિદાય લઈએ. આ આપણા સૌ માટે ભાવુક ક્ષણ છે.