મારી રેજીમેન્ટમાં દુર્ગા માતાની પૂજા મૌલવી કરાવતા હતા: આર્મી ચીફ જનરલ દ્વિવેદી
દેશમાં જ્યારે ધર્મના નામે વિભાજનનું રાજકારણ પૂરબહારમાં ખીલ્યું છે ત્યારે ભારતના આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ સેનામાં પ્રવર્તતી સર્વ ધર્મ સમભાવની લાગણીના પ્રેરણદાયી સંભારણા વર્ણવ્યા હતા.તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મહાકાલેશ્વર મંદિર ની તેમની મુલાકાત સંદર્ભે એક ન્યૂઝ એજન્સીએ કરેલા સવાલના જવાબમાં લશ્કરી વડાએ તેઓ સર્વ ધર્મ સમભાવમાં માનતા હોવાનું જણાવ્યું હતું.
તેમણે તેઓ જમ્મુ કાશ્મીરની 18મી બટાલિયનમાં ફરજ બજાવતા હતા તેની યાદ અપાવીને કહ્યું કે ત્યાં એક જ છત નીચે મસ્જિદ, ગુરુદ્વારા તેમ જ દુર્ગા માતા અને મહાકાલ ના મંદિર હતા. તેમના સુબેદાર મૌલવી દુર્ગા માતાની પૂજા કરાવતા હતા અને તેમાં કોઈ સમસ્યા નહોતી.બધા એક બીજાના ધર્મને સન્માન આપતા હતા.
તેમણે કહ્યું, ” મેં અમૃતસર મંદિર, મહાકાલ અને વૈષ્ણો દેવી સહિતના અનેક સ્થળે દર્શન કર્યા છે.મેં ચાર્જ સંભાળ્યો તે પછી હું સૌથી પહેલા મારા યુનિટના ભક્તિધામમાં ગયો હતો.ત્યાં મૌલવી, પંડિત અને ગ્રંથિના આશીર્વાદ મેળવ્યા બાદ અન્ય ધર્મસ્થાનોમાં માથું ટેકવ્યું હતું.”
ન્યૂઝ એજન્સી સાથેના વાર્તાલાપમાં તેમણે સેનામાં જોડાવાના નિર્ણય માટે ઘરના વાતાવરણને કારણભૂત ગણાવ્યું હતું. તેમણે કહ્યું,” મારો એક ભાઈ ડોક્ટર હતો, બીજી ભાઈ એન્જિનિયર હતો. મારે ઇન્ટેલિજન્સ એજન્સીમાં જોડાવું હતું.પણ મારા પિતા મને સ્વાતંત્ર્ય સેનાનીઓની વાતો કરતા અને મારા કાકા શહીદ થયેલા સૈનિકોના બલિદાનોની વાતો સંભળાવતા. તેનાથી પ્રેરાઈને મેં સૈનિક બનવાનું નક્કી કર્યું”.