‘તું સડી ગઈ છો’…ટીબી થઈ જતાં સાસરિયાઓએ પુત્રવધુને કહી કાઢી મુકી, રાજકોટમાં વધુ એક પરિણીતાને સાસરિયાનો ત્રાસ
રાજકોટના ઢેબર રોડ ઉપર રહેતી અને જામનગરમાં પરણેલી યુવતીને ટીબી થઈ જતાં સાસરિયાઓએ તેની વ્યવસ્થિત સારવાર કરાવવાને બદલે ત્રાસ આપી `તું સડી ગઈ છો’ તેમ કહીને કાઢી મુકતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના લગ્ન 2017માં જામનગર ખાતે નરેન્દ્ર ગોતમીના પુત્ર ભાર્ગવ સાથે થયા હતા. લગ્નના પંદર દિવસ બાદ જ સાસુએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને પતિને ચડામણી કરવા લાગ્યા હતા. પતિ વેરાવળ ખાતે નોકરી કરતો હોય તે ફોન ઉપર વાત પણ કરતો નહીં. આ પછી પરિણીતા જ્યારે પણ પિયર જવાનું કહે ત્યારે સાસરિયાઓ ઘસીને ના પાડી દેતા હતા. આ બધાની કંટાળી આખરે તે રાજકોટ પિયરમાં આવી હતી. ત્યારબાદ સમાધાન થઈ જતાં પતિ સાથે વેરાવળ રહેવા ચાલી ગઈ હતી જ્યાં છ વર્ષ સુધી બધું સરખું ચાલ્યું હતું.
જો કે સાસુ-સસરા પતિને ફોન કરી તેમની તબિયત સારી ન હોવાનું કહીને જામનગર બોલાવી લેતા પતિએ નોકરી મુકી દઈ જામનગર લઈ ગયો હતો. જામનગર ગયા બાદ પરિણીતાની તબિયત સારી ન રહેતા ડૉક્ટરને બતાવ્યું હતું જેમાં પરિણીતાને ટીબીની બિમારી હોવાનું સામે આવ્યું હતું જેથી સાસરિયાઓ તેને સિવિલ હોસ્પિટલમાં બતાવવા માટે દબાણ કરતા ત્યાંની દવા લીધી હતી. જો કે પતિ, સાસુ-સસરા સહિતના મ્હેણા-ટોણા મારવા લાગ્યા હતા કે `તું સડી ગઈ છો’ જ્યારે પતિને પણ ચઢામણી કરીને કહેતા કે આ સડી ગઈ છે એટલા માટે તેના સાથે પરિવાર આગળ વધારીશ તો બાળકો પણ આવા જ થો તેવું કહેતા ફરી ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. આ પછી પોલીસની પણ મદદ લીધી હતી અને પરિણીતા પિયર આવી ગયા બાદ હજુ સુધી પતિ તેડવા ન આવતા આખરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પતિ, સાસુ, સસરા, દિયર સહિતના સામે ગુનો દાખલ કર્યો હતો.
