ગેરકાયદે બાંધકામ કોઈ પણ સંજોગોમાં નિયમિત ન થઈ શકે
સર્વોચ્ય અદાલતનો શકવર્તી ચૂકાદો
બાંધકામની કાયદેસરતા ચકાસવાની જવાબદારી ખરીદનારની: 35 વર્ષ જૂની દુકાન તોડી પાડવા આદેશ
ઉત્તર પ્રદેશના મિરૂત શહેરમાં આવેલી એક ગેરકાયદે દુકાન અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે સકવર્તી ચુકાદો આપતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામને અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા કોઈપણ સંજોગોમાં નિયમિત ન કરી શકાય. ગેરકાયદે બાંધકામ ગેરકાયદે જ રહે અને તેનું ડિમોલિશન કરવાનો સત્તાવાળાઓને અધિકાર છે.
વિગત એવી છે કે મિરૂતના શાસ્ત્રીનગરમાં 1990 માં રહેણાક હેતુ માટે ફાળવવામાં આવેલા એક પ્લોટ માં દુકાનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. એ બાંધકામ રોકવા માટે સક્ષમ સત્તાવાળાઓએ નોટિસ આપી હોવા છતાં તેનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. બાદમાં અન્ય એક વ્યક્તિએ એ દુકાનની ખરીદી કરી હતી.
તેનું ડિમોલિશન કરવા માટે યુપી આવાસ પરિષદે નોટિસ આપ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એ કેસની વિસ્તૃત સુનાવણી બાદ અદાલતે દેશભરના ગેરકાયદે બાંધકામોને અસર કરતાં ચુકાદામાં જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામ પાછળ ગમે તેટલો ખર્ચ કરવામાં આવ્યો હોય કે એ બાંધકામમાં ગમે તેટલું મોટું રોકાણ કરવામાં આવ્યું હોય કે પછી એ બાંધકામ ગમે તેટલા વર્ષ જૂનું હોય તો પણ તે ગેરકાયદે જ રહે છે.
એ બાંધકામ રોકવા માટે સત્તાધિશોએ વિલંબ કર્યો હોવાની અરજદરની દલીલ પણ સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. એ બાંધકામ ગેરકાયદે હોવાની પોતાને જાણ ન હોવાનો બચાવ અરજદારે કર્યો હતો.જો કે અદાલતે કહ્યું કે કોઈપણ વ્યક્તિએ મિલકત ખરીદતી વખતે તેની કાયદેસરતા અંગેના તમામ પાસા ચકાસવા જોઈએ.
સર્વોચ્ય અદાલતે છેલ્લા પાંચ દાયકા દરમિયાન દેશના વિવિધ નગરોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કાયદા હેઠળ ગેરકાયદે બાંધકામોને ફી વસૂલીને કાયદેસર કરવાના પગલાઓનું પણ વિસ્તૃત વિશ્લેષણ કર્યું હતું.આવી સુવિધાઓ અપવાદરૂપ કેસમાં જ આપવી જોઈએ તેવી ટિપ્પણી સર્વોચ્ચ અદાલતે કરી હતી અને મિરૂતનું આ 35 વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો હતો.