વિદેશ કમાવા જવું છે, તો આ દેશમાં છે બેસ્ટ ઓપ્શન
એક તરફ જ્યાં યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધવાને કારણે ત્યાં વિઝાના નિયમો કડક થઈ રહ્યા છે, ત્યાં સિંગાપોરથી સારા સમાચાર આવ્યા છે.

આજકાલ દરેક વ્યક્તિને વિદેશમાં ભણવા અથવા તો નોકરી કરવા જવું છે. પોતાના કરિયર ઓપ્શનને એક્સપ્લોર કરવા માટે અને વિદેશમાં રહેલી વધુ તકોને કારણે યુવાનો અન્ય દેશમાં નોકરી કરવા જતા હોય છે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં વિદેશ જવા ઈચ્છી રહ્યા છો, તો સિંગાપોર તમારા માટે સારો ઓપ્શન બની શકે છે. એક તરફ જ્યાં યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધવાને કારણે ત્યાં વિઝાના નિયમો કડક થઈ રહ્યા છે, ત્યાં સિંગાપોરથી સારા સમાચાર આવ્યા છે. સિંગાપોરમાં સરકારે વિદેશથી આવતા પ્રોફેશન્લ્સની સેલરી વધારવાનો નિર્ણય કર્યો છે. સિંગાપોરની સરકારે સોમવારે કરેલી જાહેરાત મુજબ નેક્સ્ટ વર્ષથી કંપનીઓ વિદેશી કર્મચારીઓનો પગાર વધારી શક્શે.
સિંગાપોરના નવા નિયમ મુજબ જાન્યુઆરી 2025 એટલે કે આગામી વર્ષથી જે પણ વિદેશી નાગરિક સિંગાપોરમાં કામ કરવા ઈચ્છશે, તેનો ઓછામાં ઓછો પ્રતિ માસ પગાર 5,600 સિંગાપોર ડૉલર એટલે કે 4,170 ડૉલર હોવો જરૂરી છે. હાલ આ પગારની મર્યા 5,000 સિંગાપોર ડૉલર છે. એટલે કે સિંગાપોરની સરકારે સીધો જ 600 ડૉલરનો વધારો કર્યો છે. જો કોઈ ભારતીય નાગરિક સિંગાપોરમાં નોકરી કરે છે, તો ભારતીય ચલણ મુજબ તેમને પ્રતિ માસ ઓછામાં ઓછો 3,45,000 રૂપિયાનો પગાર મળશે.
તો જે વિદેશી નાગરિકો ફાઈનાન્શિયલ સેક્ટરમાં કામ કરે છે, તેમનો પગાર ણ 5,500 સિંગાપોર ડૉલરથી વધીને 6,200 સિંગાપોર ડૉલર થઈ જશે. સિંગાપોરની સરકારના કહેવા પ્રમાણે સારું કામ કરતા લોકો અહીં આવીને કામ કરે અને સ્થાનિકોને પણ પૂરતી તક મળે, તે માટે પગાર વધારાનો નિર્ણય કરાયો છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ એશિયામાં કામ કરતી કંપનીઓ તેમના હેડક્વાર્ટર માટે સિંગાપોર પર પહેલી પસંદગી ઉતારે છે. જો કે, વિદેશી નાગરિકોની વધતી જતી સંખ્યાને કારણે સ્થાનિકોને નોકરીમાં વધુ હરિફાઈનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ પણ દેશમાં ઉઠી રહી છે.
જૂન 2023ના આંકડા પ્રમાણે સિંગાપોરમાં એમ્પલોયમેન્ટ પાસ અંતર્ગત 1,97,300 વિદેશી કર્મચારીઓ હતા. જ્યારે સિંગાપોરમાં કુલ વિદેશીઓની સંખ્યા 1.5 મિલિયન જેટલી છે. અહીં રસપ્રદ વાત એ છે કે સિંગાપોરની કુલ વસ્તી જ 5.9 મિલિયન જેટલી છે.
કોરોના કાળ બાદ સિંગાપોરમાં વિદેશી નાગરિકો માટેના વેતનમાં ત્રણ વાર વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા પગાર વધારો 4,500 સિંગાપોર ડૉલરથી લઈને 5000 સિંગાપોર ડૉલર કરવામાં આવ્યો હતો .જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમલમાં આવ્યો હતો.