માતા ગરીબ હોય તો તેને બાળકની કસ્ટડીનો ઇનકાર થઈ શકે નહી : જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટનું ફરમાન, બાળકની સુખાકારી-ક્લ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ
જમ્મુ- કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટે એક મહત્ત્વના નિર્ણયમાં જણાવ્યું હતું કે, માતાને ફક્ત એટલા માટે બાળકની કસ્ટડી આપવાનો ઇનકાર ન કરી શકાય કારણ કે તે પિતા જેટલી આર્થિક રીતે સક્ષમ નથી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકની કસ્ટડી નક્કી કરતી વખતે માતા-પિતાની નાણાંકીય સ્થિતિ કરતાં બાળકનું કલ્યાણ અને સુખાકારી પ્રાથમિકતા હોવી જોઈએ.
કોર્ટે જણાવ્યું હતું કે માતાની નબળી આર્થિક સ્થિતિનો અર્થ એ નથી કે તે બાળકની સંભાળ રાખવામાં અસમર્થ છે. જસ્ટિસ જાવેદ ઇકબાલ વાનીએ જણાવ્યું હતું કે માતાની ભાવનાત્મક સંભાળ અને સતત સાથ બાળકો માટે પિતાની આર્થિક સુખાકારી કરતાં વધુ મહત્ત્વની છે. એક માતાએ શ્રીનગરમાં નીચલી કોર્ટના નિર્ણયને પડકારતી કરેલી અરજીમાં આ આદેશ આપવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે માતા દ્વારા પહેલા આપવામાં આવેલા એક આશ્વાસનને ટાંકીને બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો આદેશ કર્યો હતો.
કોર્ટે એવું પણ કહ્યું હતું કે, પિતા વિદેશ (કતર)માં રહીને બાળકને વધુ સારી આર્થિક સુવિધા આપી શકે છે. જોકે, હાઇકોર્ટે આ તર્કને નકારી દીધો અને કહ્યું કે, કસ્ટડીનો નિર્ણય ન તો કોઈ એક ફરજના ઉલ્લંઘનના આધારે હોય શકે અને ન તો ફક્ત પિતાની આર્થિક ક્ષમતા પર. જસ્ટિસ વાનીએ કહ્યું કે, ‘માતાની અપેક્ષાકૃત ઓછી આવક બાળકની સંભાળ માટે તેને અયોગ્ય નથી બનાવતી. ‘વેલફેર’ શબ્દની વ્યાખ્યા ફક્ત શારીરિક જરૂરિયાત પૂરતી સીમિત નથી. પરંતુ, તેમાં બાળકોનો નૈતિક અને ભાવનાત્મક વિકાસ પણ સામેલ છે.
