હાઈ-વે ખરાબ કર્યો કે નુકસાન કર્યું તો વાહનચાલકે દંડ ભરવો પડશે
ઔડાએ લીધો નિર્ણય : ૫૦૦ રૂપિયાથી લઈને ૨૦, ૦૦૦ સુધીનો દંડ ફટકારાશે
અમદાવાદમાં એસ.પી.રીંગ રોડ ઉપર જો કોઈ વાહનચાલક બેફામ ગાડી ચલાવીને અથવા એકસીડન્ટ કરીને જાહેર માર્ગને નુકસાન પહોંચાડે તો હવે તેને ભારે દંડ ભરવો પડશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)એ આવા કિસ્સામાં દંડ વસુલવાની સત્તા રસ્તાની જાળવણીનું કામ કરતી ખાનગી એજન્સીને આપી છે. હાઇવે ઉપર છાશવારે વાહનોને કારણે ડિવાઈડરોને અને અન્ય સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચતું હોય છે. હવે આવા કિસ્સામાં વાહનચાલક પાસેથી ૫૦૦ રૂપિયાથી લઈને ૨૦ હજાર રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવશે.
તાજેતરમાં મળેલી ઔડાની બોર્ડ મીટીંગમાં આ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ખાનગી કંપનીને માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવાની સત્તા જ નહી પણ આવો દંડ વસુલવાની સત્તા પણ આપવામાં આવી હતી.
એક અધિકારીએ કહ્યું હતું કે હાઈવે ઉપર કોઈને કોઈ ડિવાઈડર સાથે વાહન અથડાવીને નુકસાન કરે છે એટલું જ નહી વૃક્ષોને પણ નુકસાન પહોંચે છે. હવે આવું થશે તો વાહન માલિક પાસેથી નુકસાનીની પુરેપુરી રકમ વસુલવામાં આવશે.
જો કે, કેવા પ્રકારના અકસ્માતમાં નુકસાન વસુલવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી જો તમે વાહન ઉપરનો કાબુ ગુમાવો અથવા ટાયર ફાટે, બ્રેક ફેઈલ થાય કે પછી કોઈ અન્ય વાહન તમને પાછળથી ઠોકર માટે અને નુકસાન થાય તો પણ તમારે નુકસાનીની રકમ ચૂકવવી પડશે.
એસ.પી. રીંગ રોડ ઉપર માત્ર વાહનથી થતા નુકસાન માટે જ નહી પરંતુ રસ્તા ઉપર કચરો ફેંકવા બદલ, થુકવા બદલ અને રોડની બાજુમાં કાટમાળ ફેંકવા બદલ પણ ૫૦૦ રૂપિયાથી ૫ હજાર રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવશે. આ ઉપરાંત જાહેરમાં લઘુશંકા કરવા બદલ અને પક્ષીને ચણ નાખવા માટે પણ દંડ થશે. કચરો સળગાવવો, રોડની બાજુમાં દુકાન ખોલવી પણ દંડને પાત્ર થશે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ૭૬ કિલોમીટર લાંબા આ રીંગ રોડને ટૂંક સમયમાં ૨૦૦૦ કરોડના ખર્ચે સિક્સ લેન કરવામાં આવનાર છે.