જરૂર પડશે તો પશ્ચિમ બંગાળમાં વિરોધીઆને કબરમાં દફનાવી દેશું
અભિનેતા કમ નેતા મિથુન ચક્રવર્તીનુ ભડકામણું નિવેદન
પશ્ચિમ બંગાળમાં ધારાસભાની છ બેઠકો માટે પેટા ચૂંટણી યોજવાની છે તે પૂર્વે સભ્યપદ નોંધણી કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહ ની ઉપસ્થિતિમાં તાજેતરમાં જ બાળાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર અભિનેતા કમ નેતા મિથુન ચક્રવર્તીએ અત્યંત ભડકામણું નિવેદન આપ્યું હતું.
તેમણે કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના નેતા હુમાયુ કબીરે ભાજપના સમર્થકોને કાપી નાખીને ભાગીરથી નદીમાં વહાવી દેવાની ધમકી આપી હતી પણ તેમની સામે મમતા બેનર્જીએ કોઈ પગલા લીધા નથી. બાદમાં તેમણે કહ્યું કે હું કહેવા માગું છું કે જરૂર પડશે તો અમે પણ તેમને કાપી નાખશું અને કબરમાં દફન કરી દેશું. બાદમાં તેમણે નાટ્યાત્મક ઢબે કહ્યું હતું કે,’ આ એક્ટર મિથુન નહીં પણ 1968નો મિથુન ચક્રવર્તી બોલે છે”
લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 12 જ બેઠકો મળી તે પરિણામોથી પોતે ખૂબ દુઃખી થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું અને 2026 ની ધારાસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી અને ટીએમસી ને હટાવવા માટે જે કરવું પડે તે બધું કરવાનો તેમણે લલકાર કર્યો હતો. 2026 માં ભગવો લહેરાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
એ જ કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં રવીન્દ્ર સંગીતને બદલે બોમ્બ ધડાકાના અવાજ સંભળાય છે. રાજ્યમાં જો દુર્ગાપૂજાનો તહેવાર શાંતિથી ઉજવવો હોય તો ભાજપને સત્તા આપવી પડશે તેવો અનુરોધ કરી અને 2026 માં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે તેવો તેમણે પણ હુંકાર કર્યો હતો.
મિથુન ચક્રવર્તી ને કોઈ ગંભીરતાથી લેતું નથી: ટીએમસી નો પલટવાર
ટીએમસીના નેતા જયપ્રકાશ મજમુદારે મિથુન ચક્રવર્તી ઉપર હિંસા માટે ઉશ્કેરણી કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે મિથુન ચક્રવર્તીને એક રાજનેતા તરીકે ભાજપ પણ ગંભીરતાથી નથી લેતો. તેમના ડાયલોગની હવે કાંઈ અસર નથી. 2026માં ભાજપ સત્તા મેળવશે એવા અમિત શાહના નિવેદનની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે અમિત શાહે 2016, 2019 અને 2021 માં પણ એવા જ નિવેદનો આપ્યા હતા. આગામી પેટા ચૂંટણીમાં તમામ છ બેઠકો પર ટીએમસીના વિજયની તેમણે આગાહી કરી હતી. નોંધનીય છે કે આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબી પરના દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ મમતા બેનર્જી સામે મોટું જનઆંદોલન આકાર પામ્યું હતું. એ સંજોગોમાં પેટા ચૂંટણીના પરિણામો પર બધાની નજર રહેશે.