હું ચુંટણી જીતીશ તો લોકોને સસ્તા ભાવે વ્હિસ્કી મળશે !
મહારાષ્ટ્રમાં ચંદ્રપુર બેઠક પરના મહિલા ઉમેદવારનું વચન
ચુંટણી વખતે ઉમેદવારો લોકોને વચન આપવામાં જરાય કંજૂસી કરતાં નથી અને હવે વિવેક પણ ગુમાવતાં જાય છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરના ભારતીય માનવતા પાર્ટીના મહિલા ઉમેદવાર વનિતા રાઉતે તો મતદારોને રીઝવવા તમામ હદ વટાવી દીધી છે.
એક જાહેર સભામાં તેમણે લોકોને વચન આપ્યું હતું કે, ‘જો હું ચૂંટણી જીતીશ તો ગામે ગામે બિયર બાર ખોલીશ. એટલું જ નહીં, સાંસદ નિધિ ફંડમાંથી પણ સસ્તા ભાવે વ્હિસ્કી આપીશ. આ ઉપરાંત સામાન્ય લોકોને સસ્તામાં દારૂ મળી શકે એ માટે રાશન સિસ્ટમનો ઉપયોગ કરીશ.’
વનિતા રાઉતે કહ્યું કે, ‘જે લોકો ખૂબ જ ગરીબ છે અને સખત મહેનત કરે છે તેમને દારૂ પીવાથી જ આરામ મળે છે, પરંતુ તેઓ ગુણવત્તાયુક્ત વ્હિસ્કી અથવા બિયર પોસાય નહીં. તેઓ માત્ર દેશી દારૂ પીવે છે અને તેમના સેવનની કોઈ મર્યાદા નથી, તેથી તેઓ બેભાન થઈ જાય છે. હુ ઈચ્છું છું કે તેઓ ઈમ્પોર્ટેડ દારૂનો આનંદ માણે.’