રાજકોટ જિલ્લામાં 8 ડિસેમ્બરે ખાસ પોલિયો રવિવાર : 1.90 લાખ બાળકોને 926 બુથ ઉપર દો બુંદ જિંદગી કી પીવડાવાશે
રાજકોટ : છેલ્લા એક દાયકામાં રાજકોટ જિલ્લામાં એક પણ પોલિયોનો કેસ આવ્યો ન હોવા છતાં આગામી તા.8 ડિસેમ્બરના રાજકોટ શહેર અને જિલ્લામાં ખાસ પોલિયો રવિવાર અંતર્ગત 926 બુથ ઉપરથી બાળકોને દો બુંદ જિંદગી કી પીવડાવાશે, સાથે જ તા.9મીએ બાકી રહેતા બાળકો માટે ડોર -ટુ -ડોર ઝુંબેશ થકી પોલિયો ડોઝ આપવામાં આવશે.
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સિંઘ જણાવ્યા મુજબ ભારત સરકારના પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત આગામી તા.8 ડિસેમ્બરના રોજ રાજકો જિલ્લામાં ખાસ પોલિયો રવિવાર અંતર્ગત 0થી 5 વર્ષના રાજકોટ શહેર અને જિલ્લાના 1.90 લાખથી વધુ બાળકોને પોલીયોની રસી આપવામાં આવશે, દો બુંદ જિંદગી કી સૂત્ર સાથે રાજકોટ જિલ્લામાં પોલિયો રસીકરણ માટે રવિવારે 926 બુથ ઉપર હેલ્થ વર્કર અને આશા બેહનો સહિત 1755 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત તા.8 ડિસેમ્બરે ખાસ ઝુંબેશ બાદ તા.9ને સોમવારના રોજ આરોગ્ય વિભાગના 3510 કર્મીઓ દ્વારા રસીકરણમાં બાકી રહી ગયેલા બાળકો માટે ડોર -ટુ -ડોર ઝુંબેશ હાથ ધરવામાં આવશે, વધુમાં આ ઝુંબેશ દરમિયાન 11 ટીએચઓ, 39 આરબીએચઓ ખડેપગે કાર્યરત રહેવાની સાથે ડબ્લ્યુએચઓની ટિમો દ્વારા પણ નજર રાખવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.