વિકસિત ભારત બનાવીને જ જંપીશ: મોદી
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાનનું સમાપન સંબોધન: આગામી 100 દિવસ ઘર-ઘર સુધી પહોંચી જવા કાર્યકરોને અપીલ: ત્રીજી ટર્મમાં બહુ મોટા નિર્ણયો લેવાશે: ભાજપને સૌથી વધુ બેઠકો મળશે: અબ કી બાર 400 પરની નારેબાજી થઈ
દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં રવિવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાપન સંબોધન કર્યું હતું અને ભાજપના કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી અને નવા જોશ, નવા વિશ્વાસ સાથે ઘર-ઘર સુધી પહોંચી પાછલા 10 વર્ષની કલ્યાણકારી કામોનો લોકોને ખ્યાલ આપવાનો છે અને અબ કી બાર 400 પાર માટે આગામી 100 દિવસમાં કાર્યકરોએ કામે લાગી જવાનું છે.
એમણે કહ્યું હતું કે, આગામી લોકસભાની ચુંટણીમાં ભાજપને જ સૌથી વધુ બેઠકો મળશે. ભાજપના કાર્યકરો દિવસ-રાત દેશ માટે સેવા કરી રહ્યા છે. દેશ એ પાછલા 10 વર્ષમાં જે ગતિ હાંસલ કરી છે તે અભૂતપૂર્વ છે અને આગામી 5 વર્ષ ખૂબ મહત્વના છે. મોટા નિર્ણયો થવાના છે. અમારો દેશને વાયદો છે કે, 2047 સુધી વિકસિત ભારત બનાવીને જ રહીશું.
એમણે કહ્યું કે, આખી દુનિયા એમ કહી રહી છે કે, આવશે તો મોદી જ. વિપક્ષ પર પ્રહાર કરતાં એમણે કહ્યું હતું કે, આ લોકો પાસે દેશના વિકાસનો કોઈ એજન્ડા નથી. કોંગ્રેસ ભ્રષ્ટાચાર,પરીવારવાદની જનની છે. તેણે દેશની સેનાનું મનોબળ તોડવાનું પાપ પણ કર્યું છે. વડાપ્રધાને કાર્યકરોને કહ્યું કે, 18 વર્ષના પડાવ પર પહોંચેલા યુવાનો દેશની 18મી લોકસભા બનાવવાના છે. તમારે આગામી 100 દિવસ દરેક નવા વોટર, દરેક લાભાર્થી, દરેક વર્ગ અને સમાજ સુધી પહોંચવાનું છે. આપણે બધાનો વિશ્વાસ મેળવવાનો છે.
વડાપ્રધાને કહ્યું કે, હવે આપણાં દેશ એ નાના-નાના સપના જોવાનું છોડી દીધું છે. સપના જેટલા મોટા હશે સંકલ્પ એટલો જ મોટો હશે અને આ સંકલ્પ વિકસિત ભારતનો છે. એમણે કહ્યું હું રાજનીતિ નહી રાષ્ટ્રનીતિ માટે નીકળ્યો છુ. જે ગરીબોનું સપનું છે તે જ મોદીનું સપનું છે. આગામી પાંચ વર્ષમાં આપણે વિકાસની લાંબી છલાંગ લગાવવાની છે. ત્રીજી ટર્મમાં સરકાર આ માટે અનેક મોટા પગલાં લેશે.
પાછલા 10 વર્ષના કામકાજનો ખ્યાલ આપતા વડાપ્રધાને કહ્યું કે, અમે દેશને આતંકવાદ અને ભ્રષ્ટાચારથી તેમજ મહાગોટાળાઓથી મુક્તિ અપાવી છે. આમ છતાં 10 વર્ષમાં જે હાંસલ કર્યું છે તે માત્ર એક પડાવ છે અને હજુ આગળ મંજિલ બાકી છે. દરેક દેશવાસીનું જીવન સરળ કરવાનો સંકલ્પ છે.
વડાપ્રધાન વિદ્યા સાગર મહારાજને યાદ કરી ભાવુક થયા
પ્રવચનના પ્રારંભમાં વડાપ્રધાન સંત સિરોમણી આચાર્ય વિદ્યા સાગર મહારાજને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા અને એમને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, સંત સિરોમણીએ યુવાનોને પરંપરાથી જોડ્યા છે. તેમના આશીર્વાદ અને સિદ્ધાંતો ભારતને પ્રેરણા આપતા રહેશે. થોડા સમય પહેલા જ હું તેમને મળ્યો હતો પણ એવું વિચાર્યું ન હતું કે હવે પછી હું એમને મળી શકીશ નહી.
રામ મંદિર, કલમ 370નો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાને પોતાના સમાપન સંબોધનમાં રામ મંદિરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, અમે જે વાયદો કર્યો હતો તે પૂરો કર્યો છે અને ભવ્ય મંદિર નિર્માણ થયું છે. વર્ષો નહી બલકે સદીઓની પ્રતિક્ષા બાદ ભારતે આ સિધ્ધી હાંસલ કરી છે. એ જ રીતે 70 વર્ષ બાદ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી અને આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. સર્જીકલ સ્ટ્રાઈક સહિતના સાહસિક પગલાં લીધા છે.
ભાજપના પ્રમુખ પદે નડ્ડાનો કાર્યકાળ લંબાવાયો
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના બીજા અને અંતિમ દિવસે સમાપન પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની સેવાને બિરદાવવામાં આવી હતી અને પ્રમુખ તરીકેનો એમનો કાર્યકાળ લંબાવી દેવામાં આવ્યો હતો. હવે નડ્ડા 2024ના જૂન સુધી પ્રમુખ તરીકેની સેવાઓ આપતા રહેશે. આ માટેના પ્રસ્તાવને અધિવેશનમાં મંજૂરી આપી દેવાઈ હતી. ચુંટણી પૂરી થાય ત્યાં સુધી નડ્ડાની સેવા પાર્ટીએ ચાલુ રખાવી છે.