હું આ પરિવારથી કંટાળી…રાજકોટની આત્મીય સ્કૂલની ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત,પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરે આપઘાત કરી લેવાના બનાવમાં વધારો થઈ ગયો હોય વાલીઓ સતત ચિંતા અનુભવી રહ્યા છે ત્યારે આવો જ એક ચોંકાવનારો બનાવ ફરી પ્રકાશમાં આવ્યો હતો. શહેરની આત્મીય સ્કૂલના ધો.10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી સાથે સાથે આ પ્રકારનું અંતિમ પગલું બાળકીએ શા માટે ભર્યું તેને લઈને પોલીસે પણ સઘન તપાસ શરૂ કરી હતી.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે શહેરના રૂડા-1, શેરી નં.6માં રહેતી મીતા ઉમેશભાઈ ઠાકુર (ઉ.વ.15) નામની બાળકીએ તેના જ ઘરના રસોડામાં લોખંડના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ બન્યો ત્યારે મીતાના માતા અને મોટો ભાઈ બહાર સામાન લેવા માટે ગયા હતા. તેઓ અંદાજે 20 મિનિટમાં સામાન લઈને પરત આવ્યા ત્યારે મીતાને રસોડામાં લટકેલી જોઈ હતપ્રભ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકના કિશન અજાગીયા સહિતના સ્ટાફે દોડી જઈ મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે મોકલ્યો હતો. જો કે પોલીસ પહોંચી તે પહેલાં અંદાજે 100 લોકો સ્થળ પર દોડી ગયા હોય ખાસ કરીને મહિલાઓ દ્વારા બાળકીના મૃતદેહને હોસ્પિટલે ખસેડવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરિપરાએ જણાવ્યું કે મીતા ઠાકુર પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં અંગ્રેજી માં લખાણ લખેલું હતું. આ સ્યુસાઈડ નોટમાં મીતાએ `હું આ પરિવારથી કંટાળી ગઈ છું’ તે સહિતનું લખાણ લખેલું હતું.
આ પણ વાંચો :રાજકોટમાં હાર્ટ એટેકનો કાળમુખો પંજો: IOC ઓફિસર અને મહાપાલિકાના મહિલા સફાઇકર્મી સહિત ચારના મોત
વધુ તપાસ કરતા એવી વિગત પણ જાણવા મળી હતી કે મીતાના પિતા ઉમેશ ઠાકુરને જ્યોતિનગર ચોકમાં નેશનલ રેસ્ટોરન્ટ નામનું પોતાનું રેસ્ટોરન્ટ છે અને પરિવાર એકદમ સુખી-સંપન્ન છે. આર્થિક બાબતે પરિવાર સુધી છે પરંતુ ગૃહકંકાસને કારણે બાળકીએ અંતિમ પગલું ભરી લેતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. મિતા બે બહેન અને એક ભાઈમાં સૌથી નાની હતી. તેનો ભાઈ 18 વર્ષનો અને બહેન 21 વર્ષની છે.
