હું ભગવાન શંકરનો ભક્ત છું,બધું ઝેર પચાવી લઈશ: વડાપ્રધાન મોદીએ આસામમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
આસામની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ એક જાહેર સભા સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ ઉપરથી તેમના માતૃશ્રી વિશે બોલાયેલા અભદ્ર શબ્દોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે હું ભગવાન શંકરનો ભક્ત છું અને આ તમામ અપમાનોનું ઝેર પચાવી જઈશ. તેમણે આસામની દુર્દશા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. ઓપરેશન સિંદૂર સમયે કોંગ્રેસે પાકિસ્તાનને સાથ આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

વડાપ્રધાને કહ્યું કે મને ખબર છે કે કોંગ્રેસ આક્ષેપ કરશે કે મોદી ફરી રડી રહ્યા છે, પણ ભારતના લોકો જ મારા ભગવાન છે, મારો રિમોટ કંટ્રોલ લોકો પાસે છે, હું તેમની સમક્ષ મારી પીડા વ્યક્ત ન કરું તો કોની સામે કરું? મોદી કોંગ્રેસ ઉપર ભરપૂર વરસ્યા. તેમણે કહ્યું કે દેશના મહાન સંતાન અને આસામના ગૌરવ ભૂપેન હઝારિકાને ભારત રત્ન આપતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ અપમાનજનક શબ્દો વાપર્યા હતા. આ સાથે તેમણે યાદ અપાવ્યું કે પંડિત નહેરુએ 1962ના યુદ્ધ બાદ ઉત્તરપૂર્વના ઘાવ ક્યારેય ભરાયા નથી એવું નિવેદન આપ્યું હતું, આજે કોંગ્રેસ એ જ ઘાવ પર નમક ભભરાવવાનું કામ કરી રહી છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે આસામ પર લાંબા સમય સુધી શાસન કર્યા બાદ પણ કોંગ્રેસે માત્ર ત્રણ જ પુલ બાંધ્યા હતા, જ્યારે ભાજપની સરકાર આવ્યા બાદ દસ વર્ષમાં છ નવા પુલ બાંધવામાં આવ્યા છે. મોદીએ કોંગ્રેસને પાકિસ્તાનના પડખે ઊભા રહેવાનો આક્ષેપ કરતાં કહ્યું કે આતંકવાદ સામે અમારી સેના ઓપરેશન સિંદૂર કરે છે ત્યારે કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે. આસામના સૌથી મોટા મુદ્દા ઘૂસણખોરી અંગે પણ મોદીએ કોંગ્રેસને ઘેરીને કહ્યું કે કોંગ્રેસનું સૌથી મોટું રાજકારણ મતબેંક છે. દેશની ચિંતા કરતાં તેઓ ઘૂસણખોરોને રાષ્ટ્રમાં વસવા દે છે .