બિહારમાં નીતિશ નવાજૂની કેવી રીતે કરશે ? વાંચો
બિહારમાં રાજકીય ઘમાસાણ વચ્ચે સત્તા પરિવર્તનનું કાઉન્ટડાઉન શનિવારે શરૂ થઈ ગયું હતું. આખો દિવસ જે પ્રકારની રાજકીય ગતિવિધિઓ રહી હતી તેના પરથી જ સ્પષ્ટ થયું હતું કે રવિવારે એટલે આજે નીતિશકુમાર ફરી સીએમ તરીકે શપથ લેશે. ભાજપ સાથે તેની દોસ્તી પાક્કી થઈ ગઈ હતી તેવી જાહેરાત સૂત્રોએ મીડિયા સમક્ષ કરી હતી. મહત્વની વાત એ હતી કે ભાજપના પ્રમુખ નડા અને અમિત શાહ પણ રવિવારે આજે પટણા પહોંચી રહ્યાના અહેવાલો બહાર આવ્યા હતા. નીતિશના શપથ વિધિમાં હાજરી આપવા આ બંને વરિષ્ઠો આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.
રાજદ-કોંગ્રેસનું મહાગઠબંધન છોડીને નીતિશ ફરી ભાજપ સાથે હાથ મિલાવી ચૂક્યા છે. શનિવારે સાંજે નીતિશના ઘરે પાર્ટીના એમએલએ સાથે બેઠક થઈ હતી. આગળની વ્યુહરચના અંગે સભ્યોને માહિતગાર કરાયા હતા. પીકચર ક્લિયર થઈ ગઈ છે અને હવે રિલીઝનો ઇંતજાર છે. બિહારમાં ફરી નીતિશ- ભાજપની મિશ્ર સરકારનો તખ્તો ઘડાઈ ગયો હતો.
શનિવારે આખો દિવસ અલગ અલગ પક્ષોની બેઠકોનો ધમધમાટ રહ્યો હતો અને પટણાથી દીલ્હી સુધી રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ હતી. રાજદ, જેડી યુ અને કોંગ્રેસના નેતાઓએ મીડિયા સમક્ષ પોતાની વાતો રજૂ કરી હતી. નીતિશ અને લાલુ પ્રસાદ યાદવે પોતાની પાર્ટીના એમએલએને સાંજે જ પટણા બોલાવી લીધા હતા.
બીજી બાજુ રાજદ અને કોંગ્રેસના એમએલએ દ્વારા સરકારી ગાડીઓ પાછી જમા કરાવી દેવામાં આવી હતી. આ બધી ગતિવિધિઓથી પુરવાર થયું હતું કે રવિવારે ભાજપ સાથે મળીને નીતિશ નવી સરકારના સીએમ તરીકે શપથ લઈ શકે છે.