યુપીમાં મૂક- બધિર સગીરા સાથે કેવી થઈ હેવાનિયત ? જુઓ
ઉત્તર પ્રદેશના રામપુરમાં 11 વર્ષની મુક બધીર દલિત સગીરા પર અત્યાચારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પીડિતા પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્ત ભાગો પર સિગારેટના ડામ આપી ઇજાઓ કરવામાં આવી હતી. મંગળવાર સાંજથી ગુમ થયેલી સગીરા બુધવારે સવારે ખેતરમાં બેભાન હાલતમાં મળી આવી હતી. પોલીસે મોડી રાત્રે આરોપીની ધરપકડ કરી હતી.
પીડિતાના પિતા ખેડૂત છે. સગીરા ગુમ થઈ ગઈ હતી અને તેના પિતા પોતાની ગુમ થયેલી દીકરીને શોધવાની ચિંતામાં હતા. બુધવારે સવારે, ગામના એક માણસે છોકરીને તેના ઘરથી લગભગ 500 મીટર દૂર ખેતરમાં બેભાન હાલતમાં જોઇ. છોકરી નગ્ન હતી અને તેનો ચહેરો સૂજી ગયો હતો. પીડિતાના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, તેના પરિવારના સભ્યોને બાદમાં જાણ કરવામાં આવી હતી. પીડિતા શાહબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી છે.આ બનાવને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને લોકો સડકો પર આવી ગયા હતા .
અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) જયપાલ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે સગીરાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. અધિકારીએ જણાવ્યું કે પીડિતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે.